T20 ફોર્મેટના આગમન બાદ ક્રિકેટની લોકપ્રિયતા વિશ્વના અનેક દેશોમાં વધી છે.ઓમાન,થાઇલેન્ડ,અમેરિકા અને ઇટાલી જેવા દેશો પણ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.જોકે,ક્રિકેટના સફળ કેપ્ટનોમાં સામેલ અને IPLમાં પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગે T20 ક્રિકેટને લઈને ICCને એક અલગ પ્રકારની સલાહ આપી છે.રિકી પોન્ટિંગનું માનવું છે કે અમેરિકા જેવા દેશોમાં ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવું હોય તો T20ને માત્ર ‘ક્રિકેટ’ તરીકે રજૂ કરવાને બદલે અલગ રમત તરીકે પ્રચાર કરવો જોઈએ તેમના મતે અમેરિકાના લોકો માટે T20ને બેઝબોલ સાથે જોડીને સમજાવવાથી રમતને ઝડપથી લોકપ્રિય બનાવી શકાય છે.
અમેરિકામાં વધી રહી છે T20 ક્રિકેટની ઓળખ
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.2024ના T20 વર્લ્ડ કપની કેટલીક મેચો અમેરિકામાં યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન જેવી મજબૂત ટીમને હરાવી હતી અને આગળના તબક્કામાં સ્થાન મેળવ્યું હતું.અમેરિકામાં મેજર લીગ ક્રિકેટના નામે T20 લીગ પણ રમાઈ રહી છે. આ કારણે દેશમાં ક્રિકેટને નવી ઓળખ મળી રહી છે.જોકે,પોન્ટિંગનું માનવું છે કે હજુ પણ અમેરિકામાં ક્રિકેટને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ઘણું કામ કરવાની જરૂર છે.
‘T20ને ક્રિકેટ તરીકે રજૂ ન કરો’
રિકી પોન્ટિંગે અમેરિકામાં ક્રિકેટના પ્રચાર અંગે પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેઓ આ રમતને અમેરિકામાં પ્રોત્સાહન આપતા હોત તો શરૂઆતમાં તેને ક્રિકેટ તરીકે રજૂ ન કરતા.તેના બદલે માત્ર T20 તરીકે તેનો પ્રચાર કરતા.પોન્ટિંગના મતે અમેરિકાના લોકો માટે બેઝબોલ જાણીતું છે. તેથી T20ની સરખામણી બેઝબોલ સાથે કરીને લોકોને આ રમત સમજાવવી વધુ અસરકારક બની શકે છે.તેમણે એવો વિચાર રજૂ કર્યો કે બાળકોને સમજાવવામાં આવે કે T20માં એક મેચ દરમિયાન બેટર અનેક છગ્ગા ફટકારી શકે છે અને રમત ઝડપથી આગળ વધે છે. આ રીતે ક્રિકેટને લાંબી અને ધીમી રમત માનનારા લોકોમાં T20 અંગે રસ પેદા કરી શકાય છે.
અમેરિકામાં ક્રિકેટ માટે મોટું બજાર
અમેરિકા રમતગમત માટે વિશ્વના સૌથી મોટા બજારોમાંનું એક છે.બેઝબોલ,અમેરિકન ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોની ત્યાં મોટી લોકપ્રિયતા છે.આવી સ્થિતિમાં ક્રિકેટ માટે પણ અમેરિકામાં વિશાળ તક છે.ICC પણ અમેરિકામાં ક્રિકેટને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.T20 ફોર્મેટ આ માટે સૌથી મહત્વનું માધ્યમ બની શકે છે, કારણ કે મેચ ટૂંકી હોય છે અને તેમાં ઝડપથી પરિણામ આવે છે.
2028 ઓલિમ્પિકમાં T20 ક્રિકેટ
અમેરિકામાં ક્રિકેટને આગળ વધારવા માટે સૌથી મોટું પગલું 2028માં જોવા મળશે.લોસ એન્જેલસમાં યોજાનારા 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં T20 ફોર્મેટ રમાશે.આ કારણે આગામી સમયમાં અમેરિકામાં T20 ક્રિકેટની લોકપ્રિયતા વધવાની શક્યતા છે. હવે સવાલ એ છે કે પોન્ટિંગની સલાહ પ્રમાણે ICC T20ને અલગ બ્રાન્ડ તરીકે પ્રસ્તુત કરશે કે નહીં.જોકે,એટલું ચોક્કસ છે કે અમેરિકામાં ક્રિકેટને સફળ બનાવવા માટે T20 ફોર્મેટની ભૂમિકા ખૂબ મહત્વની બની શકે છે.
આ પણ વાંચો – Mohammed Shamiની ટીમ ઈન્ડિયામાં વાપસી પર ઈશાન કિશને કરી કોમેન્ટ, ફાસ્ટ બોલરના કર્યા વખાણ
