તાપી જિલ્લાના વ્યારા તાલુકા હેઠળ આવેલા કપુરા ગામે આવેલી શિવશક્તિ રેસિડેન્સીમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. શિવશક્તિ રેસિડેન્સીના પ્રથમ માળે રહેતા હસમુખ દેવશીભાઈ ચૌહાણ અને તેમના પડોશી મહેન્દ્ર અરવિંદ ચૌધરી વચ્ચે દીવાલમાં ખીલી ઠોકવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
તીક્ષ્ણ હથિયારના ઘા વાગતાં હસમુખ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત
બંને પડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલી બબાલ એટલી હદે વધી ગઈ કે તીક્ષ્ણ શસ્ત્રો વડે સામસામે હુમલા કરવામાં આવ્યા હતા. આ લોહીયાળ જંગમાં હસમુખ દેવશીભાઈ ચૌહાણને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. નજીવી ખીલી ઠોકવાની બાબતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ હતી.
બીજો પડોશી પણ લોહીલુહાણ, વધુ સારવાર અર્થે સુરત સિવિલ રિફર કરાયો
સામે પક્ષે હુમલામાં મહેન્દ્ર અરવિંદ ચૌધરીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત મહેન્દ્રને તાત્કાલિક સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની તબિયત વધુ નાજુક જણાતાં પ્રાથમિક સારવાર આપીને તબીબોએ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ બનાવ અંગે જાણ થતાં જ તાપી પોલીસનો કાફલો તાબડતોબ કપુરા ગામની શિવશક્તિ રેસિડેન્સી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આગળની કાયદાકીય તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો – 30 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ અને મુખ્ય સમાચાર અને સંપૂર્ણ ઈતિહાસ
