Tata Group વિવાદ હવે કોર્ટમાં પહોંચશે?, ટાટા ટ્રસ્ટે અભિષેક મનુ સિંઘવીને સોંપી કાનૂની લડાઈ

📅 Published: September 20, 2026 | 📂 Category: Business

Tata Group News: ટાટા ગ્રુપની અંદર ચાલી રહેલી વર્ચસ્વની લડાઈ હવે કોર્ટ સુધી પહોંચી શકે છે. ટાટા ટ્રસ્ટ્સે સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીને કાનૂની સલાહ અને પ્રતિનિધિત્વ માટે નિયુક્ત કર્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ નિવેદન આપીને આ નિમણૂકને નિયમોની વિરુદ્ધ ગણાવી હતી.

સિંઘવીએ શું કહ્યું?

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને ખૂબ જ દુઃખ અને અફસોસ સાથે આ સમગ્ર મામલાનો ભાગ બનવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ રતન ટાટા સાથે કામ કરી ચૂક્યા છે અને આ મામલાના બંને પક્ષોને પણ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સિંઘવીએ લખ્યું કે શેરહોલ્ડરના માલિકીના અધિકારને નબળો પાડવાથી ભારતમાં સૈંકડો કંપનીઓ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમના મતે, તેની અસર કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ પર પણ પડી શકે છે.

ટાટા-મિસ્ત્રી વિવાદનો પણ ઉલ્લેખ

સિંઘવીએ પોતાના પોસ્ટમાં ટાટા-મિસ્ત્રી વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે ટાટા ટ્રસ્ટ્સને સ્પષ્ટ રીતે પ્રાથમિકતા આપી હતી. સિંઘવીના જણાવ્યા પ્રમાણે, હવે આ નિર્ણયને ભૂલી જવામાં આવ્યો છે. સિંઘવીએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે સહયોગ અને સૌહાર્દની કમીના કારણે હવે આ મામલાનો ઉકેલ લાવવા માટે કાનૂની રસ્તો જ બચ્યો છે.

ચંદ્રશેખરનની ફરી નિમણૂકથી વિવાદ

ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. તેમણે પોતાને ફરી ચેરમેન ન બનાવવાની અપીલ કરી હતી. જોકે, 17 સપ્ટેમ્બરે ટાટા સન્સના બોર્ડની બેઠકમાં તેમને ફરી ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોએલ ટાટાએ કર્યો વિરોધ

ચંદ્રશેખરનની ફરી નિમણૂકના નિર્ણયનો ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોેલ ટાટાએ વિરોધ કર્યો છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની કુલ 66 ટકા હિસ્સેદારી છે. આ દરમિયાન રિઝર્વ બેન્કે ટાટા સન્સને NBFC ન ગણવાની અપીલ સ્વીકારી નથી. તેના કારણે હાલના નિયમો પ્રમાણે ટાટા સન્સનું લિસ્ટિંગ કરવું ફરજિયાત બન્યું છે. જોકે, ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સના લિસ્ટિંગ સાથે સહમત નથી. આ મુદ્દો પણ બંને પક્ષો વચ્ચેના મતભેદનું એક કારણ છે.

આ પણ વાંચો: ચંદ્રશેખરનના ચેરમેન પદને લઈને નોએલ ટાટાનું મોટું નિવેદન, જાણો શું છે મામલો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *