Team Indiaની સુરક્ષામાં મોટી ચૂક? દિલ્હી પહોંચતા જ ઉઠ્યા સવાલ

📅 Published: September 11, 2026 | 📂 Category: cricket

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી 3 મેચની T20I સિરીઝ મેચ પહેલાં જ અલગ કારણોસર ચર્ચામાં આવી છે. શરૂઆતમાં દિલ્હીમાં યોજાનારા BRICS સંમેલનને કારણે દિલ્હી પોલીસે પ્રથમ મેચની તારીખ બદલવા માટે DDCAને વિનંતી કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે.મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે કોઈ સુરક્ષા કર્મચારી કે એસ્કોર્ટ વાહન જોવા મળ્યું નહોતું. પ્રેક્ટિસ પૂર્ણ કર્યા બાદ જ્યારે ટીમ હોટેલ પરત ફરી ત્યારે પણ આવી જ સ્થિતિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાની સુરક્ષામાં ચૂકનો દાવો

ભારતીય ટીમની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક અંગેનો દાવો પત્રકાર અંકન કર દ્વારા કરવામાં આવ્યો છે.તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જ્યારે અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે પહોંચી અને ત્યાંથી પરત ફરી ત્યારે તેની સાથે કોઈ સુરક્ષા અધિકારી અથવા એસ્કોર્ટ વાહન નહોતું.સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ જ્યારે હોટેલથી સ્ટેડિયમ સુધી પ્રવાસ કરે છે ત્યારે તેમની સુરક્ષા માટે પોલીસ કાફલો અને એસ્કોર્ટ વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે.ટીમના પ્રવાસ દરમિયાન આ સુરક્ષા વ્યવસ્થા તેમની સાથે રહેતી હોય છે.આ ઘટનાને લઈને હવે સવાલ ઊભો થયો છે કે જો ટીમની સુરક્ષા માટે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી તો પ્રેક્ટિસ દરમિયાન પૂરતી વ્યવસ્થા કેમ જોવા મળી નહીં.

દિલ્હી પોલીસે અગાઉ આપી હતી ચેતવણી

આ સમગ્ર મામલો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે દિલ્હી પોલીસે અગાઉ જ DDCAને BRICS સંમેલનને કારણે સુરક્ષા વ્યવસ્થા પર વધનારા ભાર અંગે જાણ કરી હતી. પોલીસ તરફથી ભારત અને અફઘાનિસ્તાનની ટીમોને સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.BRICS સંમેલન દરમિયાન દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક રહેવાની હોવાથી ક્રિકેટ મેચ માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવવો પડકારરૂપ બની શકે છે.આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયાની સુરક્ષાને લઈને સામે આવેલા દાવાએ ચિંતા વધારી છે.જોકે, સુરક્ષા વ્યવસ્થામાં ખરેખર કેટલી ચૂક થઈ હતી અને તે અંગે સત્તાવાર સ્તરે શું પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

BRICSને કારણે સિરીઝમાં કોઈ ફેરફાર નહીં

આ પહેલાં એવી ચર્ચા હતી કે દિલ્હી પોલીસની વિનંતી બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20I સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. જોકે DDCAએ આ શક્યતાને નકારી કાઢી છે.DDCA અનુસાર સિરીઝ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ રમાશે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20I 13 સપ્ટેમ્બરે,બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.ખાસ વાત એ છે કે ભારત પોતાના ઘરઆંગણે રમવા છતાં આ સિરીઝમાં યજમાન ટીમની ભૂમિકામાં નહીં હોય. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ આ સિરીઝનું યજમાન છે અને દિલ્હીને અફઘાનિસ્તાનના ઘરઆંગણાના મેદાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે.હવે પ્રથમ મેચ પહેલા ટીમોની સુરક્ષા વ્યવસ્થા વધુ મહત્વની બની છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાની સુરક્ષાને લઈને સામે આવેલા દાવા બાદ દિલ્હી પોલીસ અને ક્રિકેટ સંચાલકો આ મુદ્દે શું વ્યવસ્થા કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો – Sunil Gavaskarનો ICC પર મોટો પ્રહાર, કહ્યું- ખેલાડીઓ મશીન નથી, ક્યાં સુધી નિચોવશો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *