05
વાવ-થરાદ પંથકમાંથી પાણીની વિકટ સમસ્યાને લઈને એક ગંભીર મામલો સામે આવ્યો છે. ધરણીધર વિસ્તારના કુંડાળીયા ગામે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન પહોંચતા ગ્રામજનો પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પીવાલાયક પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેલા ગ્રામજનોમાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કુંડાળીયા ગામે છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. નિયમિત પાણી ન મળવાને કારણે લોકોએ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સર્જાયેલી પાણીની કૃત્રિમ કે વહીવટી અછતના કારણે ગ્રામજનોને આર્થિક ભારણ વેઠીને વેચાતું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.ગ્રામજનો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત જવાબદાર તંત્ર અને સબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર ઠાલા આશ્વાસનો આપવામાં આવ્યા છે અને જમીની સ્તરે કાર્યવાહીના નામે શૂન્ય પરિણામ જોવા મળ્યું છે. તંત્રની આ પ્રકારની નિરસ કામગીરીને લઈને ગામલોકોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
