અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIને તેમની નીચે કામ કરતા TRB જવાને જ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ફરજ પર ગેરહાજર રહેતા PSIએ TRB જવાન વિરુદ્ધ રિપોર્ટ કર્યો હતો જેથી TRB જવાને PSIને ધમકી આપી હતી કે મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ, આ મારો ઇલાકો છે. આ અંગે PSIએ વાસણા પોલીસ સ્ટેશનમાં TRB જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. TRB ગેરહાજર હતો તેનો રિપોર્ટ PIને કર્યો હતો
એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વિશાલા બીટ ઈનચાર્જ છે તેમના બીટમાં આવતા તમામ ટ્રાફિક પોઇન્ટના પોલીસ,હોમગાર્ડ,TRBના માણસોની ફરજ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરી તેમની હોય છે.13 ઓગસ્ટે વિશાલ બીટમાં જ ફરજ બજાવતો TRB જવાન જાવેદ ખાન ફરજ પર ગેરહાજર હતો જેથી તેનો રિપોર્ટ પીઆઇને કરવામાં આવ્યો હતો. ગેરહાજર રિપોર્ટ અંગે PIને રજૂઆત કરવા કહ્યું હતું
જાવેદ ફરજ પર ગેરહાજર રહેતો હતો જેથી 14 ઓગસ્ટે પણ ગેરહાજર રહેતા ફરીથી તેને ગેરહાજર ગણવામાં આવ્યો હતો.બપોરે 3:30 વાગ્યે જાવેદ ફરજ પર આવ્યો હતો ત્યારે PSI ભરત પંડ્યાએ તેને ગેરહાજર ગણ્યો હોવાનું જણાવ્યું હતું.સાંજે 6:30 વાગે ફરીથી જાવેદ આવ્યો હતો અને ફરજ પર હાજર કરવા કહ્યું હતું જેથી PSI પંડ્યાએ કહ્યું હતું કે તારો ગેરહાજરનો રિપોર્ટ પીઆઇને કરવામાં આવ્યો છે તું ત્યાં પીઆઇ સામે રજૂઆત કરી હાજર થઈ શકે છે. આ મારો ઇલાકો છે, તું કેવી રીતે ખુરશીએ બેસે છે હું જોવું છું
આ દરમિયાન જાવેદ એકદમથી ઉશ્કેરાઈ ગયો અન્ય પોલીસકર્મીઓની સામે જાવેદે PSI પંડ્યાને કહ્યું કે પંડ્યા તું કેમની નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ,તું મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ,અમદાવાદના મુસલમાન ન સમજતો આ મારો ઇલાકો છે હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે હું જોવું છું.આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓએ તેને સમજાવતા ત્યાંથી નીકળી ગયો હતો.PSI પંડ્યાએ પીઆઇને જાણ કરી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી હતી જે બાદ જાવેદ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
TRB જવાને PSIને ધમકી આપી:મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ, ફરજમાં ગેરહાજર રહેતા PSIએ રિપોર્ટ કર્યો હતો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
