UGC-NET જૂન 2026ની પરીક્ષામાં પ્રશ્નપત્રને લગતી ગેરરીતિઓ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે NTAએ 50થી વધુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમને હટાવ્યા છે. સાથે જ 10 મહત્વના પદો પર નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે.
ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેવાશે
આ ભરતીમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી (CTO), મુખ્ય નાણાં અધિકારી (CFO), મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), પરીક્ષા સુરક્ષાના મહાપ્રબંધક ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સાયકૉમેટ્રિક્સ સાથે જોડાયેલા હોદ્દાઓનો સમાવેશ થાય છે. NTA સાયબર સિક્યોરિટી, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને સાયકૉમેટ્રિક્સ જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેશે.
પુનઃપરીક્ષા 9-10 સપ્ટેમ્બરે યોજાશે
UGC-NET જૂન 2026ની પરીક્ષા 22થી 30 જૂન દરમિયાન 87 વિષયો માટે યોજાઈ હતી. પ્રશ્નપત્ર સંબંધિત ખામીઓને પગલે અંગ્રેજી અને કોમર્સની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બરે, જ્યારે સોસિયોલોજીની પુનઃપરીક્ષા 10 સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષા JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાત્રતા અને PhD પ્રવેશ માટે લેવામાં આવે છે.
NTAને આ સૂચના આપવામાં આવી
પુનઃપરીક્ષાના નિર્ણય બાદ NSUI, SFI, AISA અને KYS સહિતના વિદ્યાર્થી સંગઠનોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિપક્ષે પણ NTAની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. સરકાર દ્વારા પરીક્ષા પ્રક્રિયાના વ્યાપક ઓડિટ, સુરક્ષિત રૂમ, એર-ગેપ્ડ કમ્પ્યુટર સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવવાની વ્યવસ્થામાં સુધારા સહિતના પગલાં લેવા NTAને સૂચના આપવામાં આવી છે.
