UN સભામાં બોરિંગ ભાષણથી કંટાળ્યા સીરિયાના રાષ્ટ્રપતિ:એર્દોગનની સ્પીચ વચ્ચે જ અલ-શરા ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરવા લાગ્યા, કેમેરામાં લાઈવ કેપ્ચર થયો VIDEO

📅 Published: September 23, 2026 | 📂 Category: International

સિરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભાષણ દરમિયાન ફોન ચલાવતા જોવા મળ્યા. વીડિયોમાં તેઓ ફોન પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરતા અને તેને શેર કરતા નજરે પડ્યા. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગાન ભાષણ આપી રહ્યા હતા. અલ-શરા ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અલ-શરા આ વર્ષે બીજી વખત UN મહાસભામાં સામેલ થયા છે. 2025માં તેઓ આશરે 60 વર્ષ બાદ UNGAમાં વિશ્વના નેતાઓને સંબોધન કરનારા સિરિયાના પ્રથમ પ્રતિનિધિ બન્યા હતા. અહમદ અલ-શરા જાન્યુઆરી 2025માં સિરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ સૈન્ય બળવો કરીને તેમને સત્તા પરથી હટાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું- ભાષણો કંટાળાજનક હોઈ શકે છે અલ-શરાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે X પર લખ્યું- “રાજકીય ભાષણો ક્યારેક કંટાળાજનક હોઈ શકે છે. સીરિયાના રાષ્ટ્રપતિ UN મહાસભાના 81મા સત્રમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા જોવા મળ્યા.” પૂર્વ બ્રિટિશ પીએમ જોનસન ફોન ચલાવતા ઝડપાયા હતા બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોનસન પણ 2016માં UNમાં ફોન ચલાવતા જોવા મળ્યા હતા. તે સમયે તેઓ બ્રિટનના વિદેશ મંત્રી હતા. બોરિસ જ્યારે ફોન ચલાવી રહ્યા હતા, તે દરમિયાન તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે ભાષણ આપી રહ્યાં હતાં. યુએનની લાઇવ કવરેજમાં કેમેરો ઘણી વાર બ્રિટિશ પ્રતિનિધિમંડળ તરફ ગયો. દરેક વખતે જોન્સન હાથમાં મોબાઇલ લઈને જોવા મળ્યા અને ક્યારેક જ ભાષણ તરફ જોતા નજરે પડ્યા. ધ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, જોન્સને ઘણો સમય ફોન પર મેસેજ મોકલવામાં વિતાવ્યો. અલ-શરાને 2013માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા હતા અહમદ અલ-શરાએ 2003માં મેડિકલનો અભ્યાસ છોડીને અલ-કાયદાના નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. અમેરિકન સેનાએ તેમને 2005માં ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જેલમાંથી છૂટ્યા બાદ અલ-શરાએ અલ-કાયદાની સીરિયા શાખા જબહાત અલ-નુસરાની રચના કરી હતી. અલકાયદા સાથે જોડાયેલા અલ-શરાને અમેરિકાએ 2013માં આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. તેમના પર 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 84 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. 2016માં તેઓ અલકાયદાથી અલગ થઈ ગયા અને હયાત તહરીર અલ-શામ (HTS)ની સ્થાપના કરી. ડિસેમ્બર 2024માં બશર અલ-અસદના પતન બાદ જુલાનીએ સત્તા સંભાળી. ત્યાર બાદ દુનિયાને તેમના અસલી નામની જાણ થઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *