બેંકના લોકરને લોકો ઘણીવાર પોતાના કિંમતી ઘરેણાં અને જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખવાની જગ્યા માને છે. તેમને વિશ્વાસ હોય છે કે બેંકની દેખરેખ હેઠળ તેમનો સામાન સુરક્ષિત રહેશે. પરંતુ વિચારો કે જો તમે વર્ષો પછી બેંકમાં જાઓ અને ખબર પડે કે લોકરમાંથી ઘરેણાં જ ગાયબ છે, તો કેટલી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવો જ એક કિસ્સો યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સામે આવ્યો છે. આ મામલે લગભગ 8 વર્ષની કાનૂની લડાઈ બાદ એક મહિલાને રાહત મળી છે.
દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને બેંકને મહિલાના ગુમ થયેલા 47 લાખ રૂપિયાના ઘરેણાંની કિંમત ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કમિશને ઘરેણાંની કિંમત પર વ્યાજ અને વળતર ચૂકવવા પણ નિર્દેશ આપ્યો છે. આમ, બેંકે કુલ મળીને લગભગ 50.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.
શું છે સમગ્ર મામલો?
મોનિકા કુમારી મારવાહે વર્ષ 1998માં પોતાના સસરા સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જોઇન્ટ લોકર ખોલાવ્યું હતું. 29 ઓગસ્ટ 2010ના રોજ તેમના સસરાનું અવસાન થયું હતું. તેમ છતાં બેંક લોકરનું ભાડું કાપતી રહી હતી. બેંકના રેકોર્ડમાં 25 સપ્ટેમ્બર 2018ના રોજ પણ લોકરનું ભાડું કપાયું હોવાની માહિતી મળી હતી.
મોનિકાના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે 1 સપ્ટેમ્બર 2018ના રોજ બેંકની શાખાનો સંપર્ક કર્યો, ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે 22 જાન્યુઆરી 2015ના રોજ જ લોકર સરેન્ડર કરી દેવામાં આવ્યું હતું. મહિલાએ બેંકના આ દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે ક્યારેય લોકર બંધ કરાવ્યું નહોતું. તેમના જણાવ્યા અનુસાર, લોકરમાં લગભગ 47 લાખ રૂપિયાના ઘરેણાં રાખવામાં આવ્યા હતા, જેનો કોઈ પત્તો નહોતો.
બેંકે વર્ષ 2005માં જ લોકર સરેન્ડર કર્યાનો દાવો કર્યો
યુનિયન બેંકે મહિલાના આરોપોને ખોટા ગણાવતાં દાવો કર્યો હતો કે 21 મે 2005ના રોજ જ લોકર સરેન્ડર કરી દેવામાં આવ્યું હતું. બેંકે બાદમાં ભાડું કપાવાની ઘટનાને ભૂલ ગણાવી હતી અને રકમ પરત કરવાની વાત કરી હતી.
જોકે, બેંક ન તો લોકર સરેન્ડર કર્યાની રસીદ બતાવી શકી હતી અને ન તો ઘરેણાં પરત કર્યા હોવાનો કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકી હતી. આ પછી કમિશને બેંકની દલીલો સ્વીકારી નહોતી અને માન્યું હતું કે મહિલાએ લોકર સરેન્ડર કર્યું નહોતું.
બેંકે 47 લાખ રૂપિયા સાથે વ્યાજ અને વળતર પણ ચૂકવવું પડશે
કમિશને યુનિયન બેંકને ઘરેણાંની કિંમત પેટે 47 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ પર 1 સપ્ટેમ્બર 2018થી 27 ઓક્ટોબર 2026 સુધી વાર્ષિક 6 ટકાના દરે સાદું વ્યાજ પણ ચૂકવવું પડશે.
આ ઉપરાંત માનસિક ત્રાસ બદલ બેંકે 3 લાખ રૂપિયા અને કેસના ખર્ચ પેટે 50 હજાર રૂપિયા પણ ચૂકવવાના રહેશે. આમ, મહિલાને કુલ મળીને લગભગ 50.5 લાખ રૂપિયા મળશે.
