Update : ઉત્તરાખંડ અકસ્માતમાં સુરતના ચાર નહીં પરંતુ બે જ લોકોના મોત થયાની પુષ્ટિ, 17 વર્ષીય પુત્ર વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

📅 Published: November 5, 2026 | 📂 Category: Surat

ઉત્તરાખંડ ખાતે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માત મામલે સુરતથી મોટા અને દુખદ સમાચાર સામે આવ્યા છે. અગાઉ ચાર લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો હતી, પરંતુ કતારગામ સરકાર ઓફિસર સંજય હડિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં સુરતના માત્ર બે જ લોકોના મોત થયા છે. આ ગોઝારી દુર્ઘટનામાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એડવોકેટ અશોકભાઈ પટેલ અને તેમની પુત્રી રીતિકા અશોકભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર વેદાંત અશોકભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

શિવશક્તિ રેસિડન્સીમાં છવાયો શોક

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પરિવાર સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલી શિવશક્તિ રેસિડન્સીના 202 નંબરના મકાનમાં રહેતો હતો. મૃતક અશોકભાઈ પટેલ વ્યવસાયે એડવોકેટ તરીકે સેવા આપતા હતા અને છેલ્લા 8 થી 10 વર્ષથી કતારગામ ખાતે કાયમી નિવાસ કરતા હતા. તેઓ મૂળ સુરેન્દ્રનગર અને ધંધુકા તાલુકાના પશ્યમ ગામના વતની હતા. ગત 31 ઓક્ટોબર 2026ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે સુરતથી ઉત્તરાખંડ ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ આ કાળજાળ ઘટના બની હતી.

17 વર્ષીય પુત્ર વેદાંત ઈજાગ્રસ્ત

આ ગંભીર માર્ગ અકસ્માતમાં અશોકભાઈ અને તેમની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર વેદાંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. એક જ પરિવારના મોભી અને પુત્રીના અચાનક અવસાનના સમાચાર જ્યારે સુરત પહોંચ્યા ત્યારે કતારગામની શિવશક્તિ રેસિડન્સી અને આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દિવાળીના તહેવારો ટાણે જ ખુશીઓ માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વકીલ આલમ અને સગાંસંબંધીઓમાં ભારે આઘાતની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : સગીરા પર દુષ્કર્મના કેસમાં નરાધમને સખત સજા, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની જેલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *