પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ (BSE: 544291) ને સોમવારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) તરફથી રૂ. 471.92 કરોડના (કરવેરા સહિત) મોટા ટર્નકી કોન્ટ્રાક્ટ્સ પ્રાપ્ત થયા છે. સમગ્ર ગુજરાતમાં વીજ વિતરણ નેટવર્કને વધુ મજબૂત અને આધુનિક બનાવવાના ભાગરૂપે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડર મળતાંની સાથે જ કંપનીની કુલ ઓર્ડર બુકમાં એક જ તબક્કામાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને કુલ ઓર્ડર બુક રૂ. 4,000 કરોડની સપાટી નજીક પહોંચી ગઈ છે.
18મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે
આ પ્રોજેક્ટ એમજીવીસીએલની એસઆઈ સ્કીમ રોબસ્ટ-3 હેઠળ 18 મહિનામાં હાથ ધરવામાં આવશે. કોન્ટ્રાક્ટ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હયાત 11kV ની હાઈ ટેન્શન ઓવરહેડ લાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર (MVCC) લાઈનોમાં ફેરવવામાં આવશે. આ સાથે જ સલામત વીજ પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ કેબલનું મજબૂત નેટવર્ક પણ ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી કંપનીને આગામી 18 મહિના સુધી પ્રોજેક્ટ અમલીકરણની સ્પષ્ટ વિઝિબિલિટી મળી રહેશે.
અંડરગ્રાઉન્ડ કેબલિંગ લાઈનો અસ્તિત્વમાં આવશે
આ સીમાચિહ્ન અંગે રાજેશ પાવર સર્વિસીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, “એમજીવીસીએલ તરફથી મળેલો આ ઓર્ડર અમારી કંપની માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અમારી કુલ ઓર્ડર બુક રૂ. 4,000 કરોડ નજીક પહોંચી છે, જેનાથી પ્રોજેક્ટ પાઇપલાઇન અને વિઝિબિલિટી વધુ મજબૂત બની છે. દેશની વિસ્તરતી પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ધ્યાને રાખીને અમે શિસ્તબદ્ધ રીતે, સમયસર અને સલામતી સાથે કામગીરી પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છીએ.”
