Usman Khawaja : 8 વર્ષ બાદ સૅન્ડપેપર કાંડમાં મોટો ખુલાસો, ઓસ્ટ્રેલિયાની આખી ટીમ…

📅 Published: November 7, 2026 | 📂 Category: cricket

ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસના સૌથી મોટા વિવાદોમાં સામેલ સૅન્ડપેપર કાંડને લઈને હવે નવો ખુલાસો થયો છે. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં અત્યાર સુધી માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટનાં નામ સામે આવ્યાં હતાં. જોકે, હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ આ સમગ્ર મામલે ચોંકાવનારો દાવો કર્યો છે.

ઉસ્માન ખ્વાજાએ શું કહ્યું 

ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબ્ર’માં દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટનાની જાણકારી માત્ર 3 ખેલાડીઓને જ નહોતી, પરંતુ ટીમના અન્ય ખેલાડીઓ પણ આ મામલાથી વાકેફ હતા. તેમના મતે આ વિવાદની જવાબદારી આખી ટીમે સ્વીકારવી જોઈતી હતી. ખ્વાજાના આ ખુલાસા બાદ 8 વર્ષ જૂનો સૅન્ડપેપર કાંડ ફરી ચર્ચામાં આવ્યો છે.

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ઉસ્માન ખ્વાજાનો મોટો ખુલાસો

ઉસ્માન ખ્વાજાની આત્મકથા ‘સબ્ર’ 10 નવેમ્બરે પ્રકાશિત થવાની છે. તે પહેલાં તેમણે ન્યૂઝપેપર નાઇનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વિવાદ અંગે પોતાની વાત રજૂ કરી હતી.ખ્વાજાના જણાવ્યા અનુસાર, બોલ સાથે ચેડાં કરવાની આ ઘટના કેપટાઉન ટેસ્ટ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી અગાઉની ટેસ્ટ મેચ દરમિયાન જ આ સમગ્ર મામલો શરૂ થયો હતો.તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસ પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ખ્વાજાએ પૂછ્યું હતું કે કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેમેરોન બેનક્રોફ્ટની બાજુમાં ડ્રેસિંગ રૂમમાં બેઠેલા તપાસકર્તાઓએ તેની પૂછપરછ કેમ ન કરી?ખ્વાજાએ સ્પષ્ટ કર્યું હતું કે આ ભૂલ માટે માત્ર બેટ્સમેન, બોલર કે કોચિંગ સ્ટાફને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમના મતે ડ્રેસિંગ રૂમમાં હાજર આખી ટીમે આ જવાબદારી સ્વીકારવી જોઈતી હતી.

8 વર્ષ પછી સત્ય સામે લાવવાનું કારણ શું?

ખ્વાજાએ એ પણ જણાવ્યું કે આટલાં વર્ષો પછી તેમણે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરવાનો નિર્ણય કેમ લીધો. તેમના મતે જો તેમના હાથમાં હોત તો તેઓ ક્યારેય આ રીતે જાહેરમાં આવીને કોઈની પોલ ખોલવા માગતા નહોતા.તેમણે કહ્યું કે તેઓ એવા વ્યક્તિ બનવા માગતા નહોતા જે વર્ષો પછી આવીને જૂની વાતો બહાર લાવે. જોકે, તેમને આશા હતી કે 8 વર્ષ પસાર થયા બાદ આ ઘટનાનું સત્ય પોતાની મેળે જ દુનિયા સામે આવી ગયું હશે.પરંતુ એવું ન થતાં તેમણે પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો. ખ્વાજાના આ નિવેદનથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી એકવાર જૂના વિવાદની ચર્ચા શરૂ થઈ છે.

આખી ટીમે જવાબદારી સ્વીકારવી જોઈતી હતી: ખ્વાજા

ઉસ્માન ખ્વાજાનું માનવું છે કે સૅન્ડપેપર કાંડ માટે માત્ર 3 ખેલાડીઓને જવાબદાર ઠેરવવા યોગ્ય નહોતું. આ સમગ્ર ઘટનાની જવાબદારી ટીમના તમામ સભ્યોએ સાથે મળીને સ્વીકારવી જોઈતી હતી.તેમણે જણાવ્યું કે ઘટના બાદ તેમણે ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથી ખેલાડીઓ સાથે વાત કરી હતી અને બધાને સામૂહિક જવાબદારી સ્વીકારવા કહ્યું હતું. જોકે, તે સમયે આવું થયું નહોતું.ખ્વાજાના મતે આ વિવાદની સૌથી ખરાબ અસર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટ પર પડી હતી. આ ત્રણેય ખેલાડીઓએ સમગ્ર વિવાદનો મોટો બોજ એકલા સહન કર્યો હતો.વર્ષ 2018નો આ વિવાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે મોટો આઘાત હતો. હવે ઉસ્માન ખ્વાજાના નવા દાવાએ ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે કે શું આ સમગ્ર ઘટનાની જવાબદારી ખરેખર માત્ર ત્રણ ખેલાડીઓની જ હતી?

આ પણ વાંચો – Gurnoor Brarનો કહેર! લાથમ અને ગ્લેન ફિલિપ્સ એક જ ઓવરમાં ક્લીન બોલ્ડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *