Uttarakhand : સરકારી પરીક્ષાની OMRમાં ‘ખેલ’, પૂર્વ CMના PAના ઘરેથી રૂ.32 લાખ રોકડા, 200 ગ્રામથી વધુ સોનું અને મોંઘી ઘડિયાળો મળી

📅 Published: September 11, 2026 | 📂 Category: India National

ઉત્તરાખંડમાં UKSSSCની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા-2016માં કથિત મોટા કૌભાંડને લઈને EDએ મોટી કાર્યવાહી કરી છે. 10 સપ્ટેમ્બર 2026ના રોજ દેહરાદૂનમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. PMLA હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં OMR શીટ સાથે કથિત ચેડાં કરીને ઉમેદવારો પાસેથી પૈસા લઈ પરીક્ષાના પરિણામને પ્રભાવિત કરવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.

પૂર્વ CMના PA ચંદન જીનાના ઘરે પણ દરોડો

EDએ ચંદન સિંહ જીનાના ઘરે પણ તપાસ હાથ ધરી હતી. જીના હાલમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ સિંહ રાવતના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. અગાઉ 2009થી 2017 દરમિયાન રાવત મુખ્યમંત્રી હતા ત્યારે જીના OSD તરીકે પણ કાર્યરત હતા.

ઘરેથી રૂ.32 લાખની બેનામી રોકડા

તપાસ દરમિયાન ચંદન જીનાના ઘરેથી રૂ.32 લાખની હિસાબ વગરની રોકડ મળી હોવાનો EDનો દાવો છે. આ ઉપરાંત આશરે 200.5 ગ્રામ સોનું પણ મળી આવ્યું છે. તેમાં 13 સોનાના સિક્કા અને 7 સોનાની ચેનનો સમાવેશ થાય છે.

રૂ.1.28 કરોડની મોંઘી ઘડિયાળોનો જથ્થો મળ્યો

EDને Rolex, Rado, Piaget, Movado, Tissot અને Casio Edifice સહિતના બ્રાન્ડની કુલ 12 મોંઘી ઘડિયાળો પણ મળી છે. તેમની અંદાજિત કિંમત હાલ રૂ.1.28 કરોડ હોવાનું જણાવાયું છે. કેટલીક ઘડિયાળોની કિંમતનું અલગથી મૂલ્યાંકન ચાલી રહ્યું હોવાથી આ આંકડો વધી શકે છે.

પરિવારના બેંક ખાતામાં રૂ.52.16 લાખ, EDએ કર્યા ફ્રીઝ

PMLAની કલમ 17(1A) હેઠળ ચંદન જીના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુલ રૂ.52.16 લાખનું બેલેન્સ હોવાનું સામે આવ્યું છે. તપાસ માટે જીનાનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

OMR શીટ સુરક્ષિત સ્થળેથી ખાનગી ઘરમાં લઈ જવાઈ?

EDની તપાસમાં કથિત રીતે સામે આવ્યું છે કે VPDO પરીક્ષાની OMR શીટ UKSSSCની સુરક્ષિત જગ્યાએથી તત્કાલીન સચિવના ખાનગી ઘરે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ઓછા જવાબ ભરાયેલી OMR શીટના રોલ નંબર અલગ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.

પૈસા લઈને OMRમાં જવાબો ભરવાનો આરોપ

આ અલગ કરાયેલા રોલ નંબર ખાનગી કમ્પ્યુટર એજન્સીના કર્મચારીઓને આપવામાં આવ્યા હોવાનો EDનો દાવો છે. આરોપ મુજબ એજન્સીના કર્મચારીઓએ પૈસા લઈને OMR શીટમાં જવાબોના ગોળા ભર્યા અથવા તેમાં ફેરફાર કર્યો અને ત્યારબાદ શીટને ફરી સીલ કરી દેવામાં આવી હતી.

હવે કૌભાંડની કડી ક્યાં સુધી પહોંચશે?

EDના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રક્રિયામાં ગેરકાયદે નાણાં બિચોલિયાઓ મારફતે પહોંચાડવામાં આવ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે OMRમાં કથિત ચેડાં કરવાના આ ખેલમાં કોણ-કોણ સામેલ હતું, પૈસા કોના સુધી પહોંચ્યા અને જપ્ત કરાયેલી સંપત્તિનો આ કથિત પરીક્ષા કૌભાંડ સાથે શું સંબંધ છે.  

આ પણ વાંચો :  Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *