વડોદરા શહેરના ગીચ અને વ્યસ્ત વિસ્તારો પૈકી એક એવા ગોત્રી વિસ્તારમાં ગુનાખોરી અને બેફામ વાહનચાલકોની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોત્રી જકાતનાકા પાસે આવેલા ઓશીયા મોલ નજીક એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
નશામાં ધૂત બુલેટ ચાલકે સર્જ્યો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂરઝડપે અને નશાની ઘેનમા ધૂત થઈને બુલેટ હંકારી રહેલા એક ટુ-વ્હીલર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. દારૂ કે અન્ય નશાની હાલતમાં વાહન ચલાવી રહેલા આ ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થતાં મામલો ઉગ્ર બન્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર જ રોડ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ટ્રાફિકજામ અને મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો
આ મારામારી અને હોબાળાને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના લોકટોળાં ઉમટી પડ્યા હતા. આ મામલો ઉગ્ર બનતા અંતે સમગ્ર વિવાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
