Vadodaraના વડસરમાં મારામારીના વાયરલ વીડિયો મામલે 9 આરોપીઓની ધરપકડ

📅 Published: August 21, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલી જૂથ અડફત અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને અટલાદરા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા કુલ 9 આરોપીઓની ધડપકડ કરી લીધી છે, જેમાં 5 સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. અટલાદરા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસે ઘટનાસ્થળ નજીક જ કાન પકડીને ઉઠબેસ કરાવી જાહેરમાં માફી મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.

મુખ્ય 4 આરોપીઓની પણ અટકાયત

અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને વુડા (VUDA) ના મકાનોમાં રહેતા મુખ્ય ચાર પુખ્ત વયના આરોપીઓ બિહારી કેસરી, સંદીપ વાઘેલા, સચિન જાદવ અને અનિકેત કેસરીની વિધિવત ધરપકડ કરી છે. આ સિવાય ગુનામાં સામેલ 5 સગીરો સામે પણ કાયદાકીય જોગવાઈ મુજબ બાળ અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ વીડિયોમાં આરોપીઓ જે રીતે હિંસક વર્તન કરી રહ્યા હતા તે જોતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસની આ આકરી કાર્યવાહીથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

પાન મસાલાના ગલ્લા પર થયો હતો વિવાદ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મારામારી પાછળનું તુચ્છ કારણ સામે આવ્યું છે. પાનના ગલ્લા પર પાન-મસાલા કે પડીકી ખરીદતી વખતે રૂપિયા 500ની ચલણી નોટના છૂટા પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય અણબનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આરોપીઓએ સામસામે આવીને મારપીટ કરી હતી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસની કામગીરી ચાલુ રાખી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *