Vadodaraમાં ધંધાકીય મનદુઃખનો કરુણ અંજામ; ‘ચાય કા અડ્ડા’ના ભાગીદારે જ કરી ભાગીદીરની હત્યા!

📅 Published: October 27, 2026 | 📂 Category: Baroda

વડોદરાના ગોરવા વિસ્તારમાં ધંધાકીય ભાગીદારે જ પોતાના સાથીદારની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ‘ચાય કા અડ્ડા’ નામની દુકાનના બે ભાગીદારો વચ્ચે મનદુઃખ ચાલતું હોવાની વિગતો સામે આવી છે. દુકાને સમયસર ન આવવાના મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો અને આ જ બાબત હત્યાનું કારણ બની હોવાનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં મનમોહનસિંગ સંજયસિંગ (ઉં.વ. 25)ની હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મધુનગર કેનાલમાં ધક્કો માર્યાનો આરોપ

તપાસ દરમિયાન આરોપીએ મનમોહનસિંગને ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલી કેનાલમાં ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. બનાવ બાદ મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પંચવટી કેનાલથી પાદરા તરફ આશરે 10 કિલોમીટર સુધી શોધખોળ કર્યા બાદ હિંગલોટ ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.

CCTV અને બાતમીથી આરોપી ઝડપાયો

ગોરવા પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકી (ઉં.વ. 25), જે ગોરવાના મધુનગર વિસ્તારનો રહેવાસી છે, તેને પકડી લેવામાં આવ્યો છે. ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હવે પોલીસની આગળની તપાસમાં ઘટનાક્રમ અને હત્યા પાછળનાં કારણો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *