વડોદરા શહેરમાંથી બેજવાબદાર ડ્રાઇવિંગ અને નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે સર્જાયેલી ગંભીર દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના મોટી માર્કેટ પાસે સર્જાયેલા ચકચારી અકસ્માતના મામલામાં વડોદરા પોલીસ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવીને નિર્દોષ લોકોના ભોગ લેનાર અથવા ગંભીર હાનિ પહોંચાડનાર શખ્સો સામે પોલીસે હવે કાયદાનો સકંજો કડક કર્યો છે.
નશાની હાલતમાં કાર ચલાવતા હોવાની પુષ્ટિ
આ સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપતા એ.સી.પી. ડિવિઝન અશોક રાઠવા દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માત સર્જનાર આરોપીઓ ઘટનાના સમયે સંપૂર્ણપણે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા. દારૂના નશામાં ચૂર થઈને વાહન હંકારવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું ખૂલતા પોલીસે તેમની સામે કોઈ પણ પ્રકારની ૨આયત ન રાખવાનું નક્કી કર્યું છે.
કીર્તન વાઘેલા અને રાજ પુરોહિતની ધરપકડ
આ અકસ્માત કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ કીર્તન વાઘેલા અને રાજ પુરોહિત નામના શખ્સો વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માત્ર સામાન્ય અકસ્માત નહીં, પરંતુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ (Drink and Drive) તેમજ ગેરકાયદેસર રીતે મોત નીપજાવવા કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાવપુરા પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે, જેથી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વોમાં કડક સંદેશો જાય.
