વડોદરા શહેર પોલીસની પીસીબી (PCB) શાખાને દારૂની મોટી હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રણોલી વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેનરને આંતર્યું હતું. કન્ટેનરની તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બુટલેગરોએ દારૂની ચોરીછૂપીથી હેરાફેરી કરવા માટે એક અનોખી કીમિયો અપનાવ્યો હતો.
બદામના તેલના બોક્સની આડમાં 30 લાખનો શરાબ લવાયો
તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે કન્ટેનરમાં ઉપરના ભાગે બદામના તેલના બોક્સ ગોઠવવામાં આવ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ આ બોક્સની પાછળ સંતાડીને રાખવામાં આવેલો રૂ.30 લાખની કિંમતનો વિદેશી શરાબનો અતિ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો આ જથ્થો તથા કન્ટેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
હરિયાણાથી લવાયેલા જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે દારૂનો આ મોટો જથ્થો ખાસ હરિયાણાથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો. આ મામલે પીસીબી પોલીસે કન્ટેનરમાં સવાર હરિયાણાના મોહમદ વકીલ અને વકીલ ખાન મેવ નામના બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આ દારૂનો જથ્થો વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.
