ગુજરાતમાં અગાઉ બનેલી મોરબીના ઝૂલતા પુલ અને પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની અત્યંત ગંભીર દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લઈને રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં લોકોની જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરીને અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વડોદરામાં નવરાત્રી દરમિયાન હજારો-લાખો ખેલૈયાઓ અને દર્શકો એકત્ર થતા હોવાથી R&B વિભાગ દ્વારા કામચલાઉ ગરબા સ્ટેજ અને મંડપ માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફ્કિેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેજ તૂટી પડવાના ભૂતકાળના બનાવો ફરી ન બને તે માટે તંત્ર દ્વારા 10 મુદ્દાનું એજન્સી સેલ્ફ્-ચેક લિસ્ટ જાહેર કરી તમામ મોટા ગરબા આયોજકો પાસેથી કડક બાંયધરી પત્રક મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. નવરાત્રીમાં મોટા ગરબા માટે પહેલાં R&B વિભાગ દ્વારા માત્ર રૂબરૂ ભૌતિક નિરીક્ષણ કરી મંજૂરીઓ અપાતી હતી. પરંતુ મોરબી અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બાદ હવે કોઈ જોખમ ન લેવાય તે હેતુથી ગવર્નમેન્ટ નોર્મ્સ મુજબ ગરબા આયોજકોએ સરકાર માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટેજની મજબૂતાઈનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફ્કિેટ મેળવીને રજૂ કરવું અનિવાર્ય બન્યું છે. આ અંગે વિશ્વનીય સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે, 41 મોટા ગરબા આયોજકો પાસે વિગતો મંગાવાઈ છે. જે પૈકી25 આયોજકોએ પ્રક્રિયા હાથધરી છે. 13 આયોજકોને સર્ટિ. અપાયું છે. 12 આયોજકોની અરજી પેન્ડિંગ, જ્યારે 16 આયોજકોએ હજૂ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. ગરબામાં હજારો લોકો સ્ટેજની આસપાસ એકત્ર થતા હોવાથી પબ્લિક સેફ્ટી સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ગવર્નમેન્ટ એપ્રૂવ્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું પ્રમાણપત્ર સાથે R&Bની ટીમ સંયુક્ત ચકાસણી કરે છે. સ્ટેબિલિટી સર્ટિફ્કિેટમાટે એન્જિનિયરિંગ માપદંડો મુજબ ડેડ લોડ અને લાઈવ લોડની વૈજ્ઞાનિક ગણતરી થાય છે. ડેડ લોડ અંતર્ગત સ્ટેજના લોખંડ-પાઈપનું પોતાનું વજન, સાઉન્ડ સિસ્ટમ, સ્પીકર્સ, વિશાળ LED સ્ક્રીન અને લાઈટિંગ ટ્રસનું વજન, જયારે લાઈવ લોડમાં સ્ટેજ પર એકસાથે ઉપસ્થિત રહેનારા ગાયક કલાકારો, વાજિંત્રો વગાડનારા અને પ્રેક્ષકોના કુલ વજન સાથે સ્ટેજ સપોર્ટ માટે વપરાયેલા પાઈપ કે ચેનલ સેક્શન ભાર વહન કરવા માટે સક્ષમ છે કે નહીં તેનું માપન કરવામાં આવે છે. આયોજકો દ્વારા નિયુક્ત સ્ટ્રક્ચરલ એન્જિનિયરે સ્ટેજની સ્થળ મુલાકાત લઈને ટેકનિકલ રિપોર્ટ આપવાનો રહેશે, ત્યારબાદ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમ રૂબરૂ સ્થળ ચકાસણી કરીને જ ફાઈનલ પ્રમાણપત્ર ઈશ્યૂ કરે છે. બીજી તરફ, સરકારી માર્ગદર્શિકા મુજબ દિવ્યાંગજનો અને વ્હીલચેર ધારકો માટે સ્ટેજ પર ઓછામાં ઓછી એક બાજુ રેમ્પ સુવિધા આપવી ફરજિયાત બનાવાઈ છે. આ ઉપરાંત સુરક્ષિત સીડી માટે ટ્રેડ (પગથિયાંની પહોળાઈ) ઓછામાં ઓછો 300 મીમી (30 સે.મી.) અને રાઇઝર (પગથિયાંની ઊંચાઈ) મહત્તમ 150 મીમી (15 સે.મી.) રાખવાનું ફરજિયાત કરાયું છે.
Vadodara : એપ્રૂવ્ડ સ્ટ્રક્ચરલ ઍન્જિ.નાં રિપોર્ટ અને દિવ્યાંગ રેમ્પ વિના મંજૂરી નહીં મળે !
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
