19
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત કરજણ નગર પાલિકા દ્વારા કરજણ ને.હા.48 પર જુનાબજાર ધાવટ ચોકડી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન ગંદકી બદલ 6 જેટલા દુકાનદારો પાસેથી રૂા.2,700નો વહીવટી ચાર્જ વસૂલાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કરજણ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ ગંદકી ન થાય તે માટે સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે કરજણ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જુના બજાર વિસ્તારમાં ધાવટ ચોકડી નજીકના ચામુંડા કોમ્પ્લેક્સ ખાતે ચેકિંગ કરાયું હતું. જેમાં દુકાનોની આસપાસ તેમજ જાહેર ઉપયોગની જગ્યાઓ પર સ્વચ્છતાની સ્થિતિની તપાસ કરાઇ હતી. જેમાં કેટલાક દુકાનદારો દ્વારા દુકાનની આસપાસ ગંદકી હોવાનું સામે આવતા નગરપાલિકા તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરાઇ હતી. ગંદકી બદલ કુલ 6 જેટલા દુકાનદારો સામે કાર્યવાહી કરી રૂા.2,700નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.
નગરપાલિકા દ્વારા શહેરના બજાર વિસ્તારોમાં વેપારીઓને પોતાની દુકાનની આસપાસ કચરો કે ગંદકી ન રાખવા તથા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા સૂચના અપાઇ રહી છે. જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર નગર પાલિકાની નહીં પરંતુ વેપારીઓ અને નાગરિકોની પણ છે. ત્યારે સૌના સહયોગથી જ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય તેમ તંત્ર દ્વારા જણાવાયું હતું.
