ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરૂવારે ગંગા નદી કિનારે તાલીમ દરમિયાન ગર્ગ એવિએશનનું ટેક્નમ પ્લેન ક્રેશ થતાં વડોદરાના ફલાઈંગ ઈન્સ્ટ્રક્ટર-પાયલોટ સચિન ભાટિયા (ઉ.29) અને તાલીમાર્થી અભિષેક પૂજારી (ઉ.28)નું મોત થયું હતું. આ ઘટનાની જાણ વડોદરાના છાણી ખાતે રહેતાં સચીનના ઘરના સભ્યોને થતાં પરિવાર પર આભ તૂટી પડયું હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આજે ગુરૂવારે સવારે 11.30 કલાકે કાનપુરના ચકેરી સિવિલ એરપોર્ટ પરથી પ્લેને નિયમિત ટ્રેનિગ સેશન માટે ઉડાન ભરી હતી. પ્લેન ટેકઓફ થયાના 20 મિનિટ બાદ એટલે કે, 11.50 કલાકે નથ્થુ પુરવા ગામ નજીક એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં વડોદરાના છાણી ખાતે આવેલા તત્વ હાઈટ્સમાં રહેતાં સચીન ભાટિયા અને કર્ણાટકના અભિષેક પૂજારીનો સમાવેશ થાય છે. સચિન ભાટિયા છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર તરીકે કાનપૂરની ગર્ગ એવિએશન લિ.માં ફરજ બજાવતા હતા. તેમને 3,000 કલાકથી વધુ ફ્લાઈંગનો અનુભવ હતો. જોકે, આજે પ્લને ક્રેશની ઘટનાનો ભોગ બની ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલું પ્લેન ચાર સીટર ટ્વીન એન્જિન એરક્રાફ્ટ હતું.DGCA અને AAIB દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
સચીન ભાટિયા આર.જે. તરીકે FM રેડિયામાં પણ કામ કર્યું હતું. ભાટિયા પરિવારનો હરણી – સંગમ રોડ પર રૂપમ સિનેમા સામે ભાટિયા પેટ્રોલપંપ આવેલો છે. આ અંગે મૃતક સચીનના ભાઈ તરૂણ ભાટિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમને ન્યુઝ મારફતે દુઃખદ ઘટનાની જાણ થઈ હતી. જે બાદથી માતાની તબિયત પણ બગડી છે. અમે આવતીકાલે કાનપુર જવાના છે. નોંધનીય છે કે, આ દુઃખદ ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
