સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ વિસર્જનની ચાલી રહેલી સુચારુ કામગીરી વચ્ચે નવલખી કૃત્રિમ તળાવ ખાતેથી એક હાઇ-ડ્રામાના સમાચાર સામે આવ્યા છે. તળાવ પરિસરમાં ગાડી અંદર લાવવા બાબતે વડોદરાના ડેપ્યુટી મેયર અને વડોદરા પોલીસના ડીસીપી (DCP) ઝોન-૨ મંજીતા વણઝારા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. વિસર્જન સ્થળ પર વાહનોના પ્રવેશ અને ટ્રાફિક વ્યવસ્થાના નિયમોને લઈને બંને જવાબદાર અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં સ્થળ પર ઉપસ્થિત લોકો અને મંડળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
નવલખી તળાવ પર ગણેશ વિસર્જન વેળા હાઇડ્રામા
મળતી વિગતો મુજબ, વિસર્જન સ્થળ પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વાહનોના પ્રવેશ પર અમુક નિયંત્રણો મૂક્યા હતા. આ દરમિયાન ગાડી અંદર પ્રવેશવા દેવા અંગે ડેપ્યુટી મેયર અને ડીસીપી વચ્ચે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બોલાચાલી દરમિયાન ડીસીપી મંજીતા વણઝારાએ “રાઈનો પર્વત ન કરો” તેમ કહીને સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને ઉચ્ચ હોદ્દેદારો વચ્ચેની આ શાબ્દિક તકરારના કારણે નવલખી તળાવ ખાતે થોડીવાર માટે વાતાવરણમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી.
બંને વચ્ચે થયેલી બોલાચાલીથી ગરમાયેલું વાતાવરણ
ગણેશ વિસર્જન જેવા સંવેદનશીલ અને મોટા પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી વચ્ચે જાહેરમાં થયેલી આ બોલાચાલી વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બની છે. આ બનાવ બાદ સ્થળ પર હાજર અન્ય અધિકારીઓએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. આ ઘર્ષણ બાદ નવલખી તળાવ પર ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્વવત્ અને શાંતિપૂર્ણ રીતે આગળ વધારી દેવામાં આવી હતી.
