Vadodara: ગુજરાતમાં ઝોલાછાપ ડૉક્ટરોનો ઉપદ્રવ 3 વર્ષમાં 2,724 બોગસ ડૉક્ટરો પકડાયા

📅 Published: August 27, 2026 | 📂 Category: Baroda

ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂલ્લેઆમ ચેડાં કરતા નકલી ઝોલાછાપ ડૉક્ટરોનો રાજ્યના ટ્રાયબલ એરિયાઓમાં રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં પાછલાં કેટલાક વર્ષ દરમિયાન કુલ 2,724 જેટલા બોગસ ડૉક્ટરો પકડાયા છે. કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર લોકોના જીવ જોખમમાં મૂકતા આવા તબીબો સામે રાજ્યભરમાં કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન સામે આવેલા ચોંકાવનારા ખૂલાસા મુજબ, ઝડપાયેલા તબીબોમાંથી 169 વ્યક્તિઓ તો બોગસ અને નકલી મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથિક સારવાર આપતા હોવાનું ખૂલ્યું છે. આ સમગ્ર મામલે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અત્યાર સુધીમાં 154 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં સૌથી વધુ બોગસ ડૉક્ટરો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી ઝડપાયા છે. આ એકમાત્ર જિલ્લામાં જ 221 કેસ નોંધાયા છે. આ સિવાય અમદાવાદ, આણંદ, ખેડા, અમરેલી અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નકલી ડૉક્ટરો સક્રિય હોવાનું બહાર આવ્યું છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો વર્ષ 2021માં 839 બોગસ તબીબો પકડાયા હતા. જ્યારે 2023 સુધીમાં આ આંકડો વધીને 1,010 સુધી પહોંચી ગયો હતો. જે દર્શાવે છે કે તંત્ર દ્વારા મોનિટરિંગ વધારવામાં આવ્યું છે.

આવા ઝોલાછાપ ડૉક્ટરો ગ્રામીણ અને શ્રમિક વિસ્તારોમાં નિર્દોષ દર્દીઓને ઓછી ફી અથવા ઝડપી રાહતના નામે ભળતી દવાઓ આપી તેમના જીવન સાથે રમત રમતા હોય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ તમામ ક્લિનિકો અને હૉસ્પિટલોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કડક બનાવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર માન્ય ડિગ્રી ધરાવતા રજિસ્ટર્ડ ડૉક્ટરો પાસે જ સારવાર કરાવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *