Vadodara : ડભોઇમાં દિવાળીએ ચાઇનીઝ રોશની સામે દેશી માટીના દીવડાં ઝાંખા પડયાં

📅 Published: November 4, 2026 | 📂 Category: Baroda

ડભોઇ દિવાળી એટલે અંધકાર પર પ્રકાશના વિજયનો પર્વ અને ઘેર-ઘેર દીવા પ્રગટાવીને માતા લક્ષ્મીજીનું સ્વાગત કરવાનો પવિત્ર અવસર. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડભોઇનો પ્રજાપતિ સમાજ દિવાળી પૂર્વે મહિનાઓ સુધી તનતોડ મહેનત કરીને શુદ્ધ દેશી માટીના પરંપરાગત દીવડાઓ તૈયાર કરતો આવ્યો છે. જોકે, બદલાતા ટેકનોલોજીના યુગમાં આ વખતે દેશી માટીના દીવાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બજારમાં ચાઇનીઝ દીવા, રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટો અને આધુનિક પ્લાસ્ટિક-સિરામિક વેરાયટીઓની ભરમારના કારણે ડભોઇના પરંપરાગત માટીના દીવડાંનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.

દિવાળીના તહેવારોમાં અગાઉ માટીના કોડિયાં ખરીદવા માટે બજારોમાં ભારે ભીડ ઉમટતી હતી. પરંતુ આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં લોકો ઇકો-ફ્રેન્ડલી માટીના દીવડાંને બદલે સસ્તા, ચળકાટવાળા ચાઇનીઝ દીવા, એલઇડી લાઇટિંગ અને ફેન્સી આર્ટિફિશિયલ ડેકોરેશન તરફ્ વધુ આકર્ષાઈ રહ્યા છે. બજારમાં નવી નવી વેરાયટીની રોશની ઉપલબ્ધ બનતાં પરંપરાગત દેશી દીવડાંની માંગમાં ભારે કડાકો બોલાયો છે. કુંભકારોની રોજીરોટી સંકટમાં એક તરફ્ સમગ્ર રાજ્યમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ્ તૈયાર કરેલા માટીના દીવડાઓ ન વેચાતાં ડભોઇના પ્રજાપતિ સમાજના પરિવારો ચિંતામાં મુકાયા છે. માટી લાવવાથી માંડીને, ચાકડા પર દીવડાં ઘડવા, સુકવવા અને નિભાડામાં પકવવા સુધીની લાંબી મહેનત બાદ પણ કારીગરોને તેમની પડતર કિંમત જેટલું વળતર પણ મળવું મુશ્કેલ બન્યું છે. દિવસ-રાત પરસેવો વહાવીને બનાવેલો માલ સ્ટોકમાં પડી રહેતાં કારીગરોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *