Vadodara: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા PSI અંકિતાબેન પંડ્યા ₹20,000ની લાંચ લેતા ACBના છટકામાં સપડાયાં

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન સ્થિત રેલવે પોલીસ સ્ટેશનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ACBની ટીમે સફળ છટકું ગોઠવીને ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનના મહિલા PSI અંકિતાબેન પંડ્યાને ₹20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે.

મહિલા PSIએ લાંચની માંગણી કરી

મળતી વિગતો અનુસાર, મહિલા PSI અંકિતાબેન પંડ્યા દ્વારા મોબાઈલ પરત આપવાની કામગીરીના બદલામાં ₹20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીએ આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ખરાઈ કર્યા બાદ ACBની ટીમે ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

ACBના છટકામાં રંગેહાથ ઝડપાયાં

છટકા દરમિયાન મહિલા PSI અંકિતાબેન પંડ્યાએ જેવી ₹20,000ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ પહેલેથી વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધાં હતાં. ACBએ સ્થળ પરથી ₹20,000ની લાંચની રકમ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પોલીસ સ્ટેશનમાં જ મહિલા PSI લાંચ લેતા ઝડપાયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

આ પણ વાંચો: Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ‘સેન્ટ્રલાઈઝ્ડ વોર્ડ મેનેજમેન્ટ સોફ્ટવેર’નો પ્રારંભ; દર્દીઓની સેવામાં વધુ સમય ફાળવી શકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *