ડેસર તાલુકા સેવા સદન ખાતે મામલતદારની અધ્યક્ષતામાં ઓનલાઇન તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નોને લઈને કુલ 3 અરજી રજૂ કરાઇ હતી. જેમાં બે અરજદારના પ્રશ્ન અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળી કાર્યવાહી અંગે માર્ગદર્શન અપાયું હતું. એક અરજદાર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.
કાર્યક્રમમાં રાઠોડ મુકેશ રાવજી દ્વારા PM કિસાન યોજના સંબંધિત પ્રશ્ન રજૂ કરાયો હતો. આઅંગે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગના અધિકારી સાથે ચર્ચા કરાઇ હતી. જેઓને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ કરાશે. બીજી તરફ્ નવા શિહોરાના પરમાર ભરતસિંહ અજીતસિંહ દ્વારા PM આવાસ યોજના હેઠળ શિહોરાગ્રામ પંચાયતની ઓનલાઈન પોર્ટલ પર મૂકાયેલ 157 લાભાર્થીની યાદી અંગે રજૂઆત કરાઇ હતી. જેમાં યાદીમાં મોટાભાગના લાભાર્થી પાકા મકાન ધરાવતા હોવા છતાં તેમનો સમાવેશ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના કાચા મકાનમાં રહેતા લોકોનો સમાવેશ થયો ન હોવાનું જણાવાયું હતું. આ મુદ્દે અરજદાર સાથે આવેલા અંદાજે 50 ગ્રામજનોએ પણ પોતાની રજૂઆત કરી હતી. મામલતદાર, નાયબ મામલતદાર તથા TDOદ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવા તથા જરૂરી જણાય ત્યાં પુનઃ સર્વે કરવાની કાર્યવાહી અંગે ખાતરી અપાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાચા મકાનમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરીને પાત્ર લાભાર્થીની નવી યાદી તૈયાર કરાશે.
