Vadodara: ડેસર સહિત તાલુકામાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ

📅 Published: September 18, 2026 | 📂 Category: Baroda

ડેસર તાલુકામાં કેટલાક દિવસોથી પુનઃ વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. અતિશય બફારા અને ઉકળાટથી પરેશાન સ્થાનિકોને વરસાદથી રાહત મળી હતી.

ડેસર સહિત તાલુકાના વાલાવાવ, પાંડુ, શાંતિપુરા, વક્તાપુરા, વેજપુર, જાંબુગોરલ, ઉદલપુર, સાંઢાસાલ, વરસડા, શિહોરા, છાલીએર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ડેસરના અનેક માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. ખાસ કરીને વાલાવાવ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. કેટલાક વેપારીની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ પાણી બહાર કાઢવાની કામગીરી કરવી પડી હતી. ચાર દિવસથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદના અભાવે સુકાવાના આરે પહોંચેલા કપાસ, એરંડા, બાજરી, ડાંગર અને કઠોળ જેવા પાકોને વરસાદથી જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદી માહોલ જામતાં તાલુકાના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, ચાલુ ચોમાસામાં ડેસર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 574 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 8થી 10 વાગ્યા સુધી 25 મીમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે સમગ્ર ડેસર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *