ગુજરાતમાં આજકાલ ચારણી સાહિત્યનું ચલણ ખૂબ વધ્યું છે. પહેલા આ સાહિત્ય માત્ર ચારણો અને ડાયરાના કલાકારો પૂરતું સીમિત હતું, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા અને ડાયરા સંસ્કૃતિના પ્રભાવથી તમામ સમાજના લોકો આ સાહિત્યને વાંચવામાં, બોલવામાં અને ગાવામાં અપ્રતિમ શોખ અને રસ દાખવી રહ્યા છે. આ સંજોગોમાં આ લોકસાહિત્ય લોકભોગ્ય બને તે માટે ગુજરાતમાં થયેલા પ્રયત્નો અને ઉપલબ્ધ સાહિત્યની વાત કરવી જરૂરી છે. જે માટે થઇને એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગ દ્વારા નાયિકા ભેદ પુસ્તક થકી ગુજરાતી સાહિત્ય સાથે નૃત્યનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ચારણી સાહિત્ય હજારો વર્ષોથી લખાતું અને બોલાતું આવ્યું છે. કાળક્રમે મોટા પ્રમાણમાં આ સાહિત્ય નામશેષ થયું છે, પરંતુ સદનસીબે અમુક ગ્રંથ પ્રેમીઓ, સાહિત્યકારો અને કવિજનોએ તેનું સંપાદન કરી રિપ્રિન્ટ કરાવ્યું છે. આ પ્રવૃત્તિ રાજસ્થાનની સાથે સાથે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં થઈ છે. ગુજરાતમાં કવિ ઈશરદાસથી લઈને જીતુદાન ગઢવી વાંકાનેર સુધી આ પરંપરાને વેગ મળ્યો છે. જેમાં કવિ શંકરદાન લીંબડી, કવિ દુલાભાયા કાગ, કવિ મેઘાણંદ બાપુ, કવિ પીંગળશી પાયક, કવિ પિંગળસિંહ નરેલા, કવિ દાદ અને કવિ જીતુદાન ટાપરીયા વાંકાનેર જેવા મહાનુભાવોનું સિંહફાળો રહ્યો છે. એમાંય છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ જોઈએ તો કોઈ એક વ્યક્તિએ 30 થી વધારે ચારણી સાહિત્યના ગ્રંથો લખ્યા હોય અને તે લોકભોગ્ય થયા હોય એવું એક જ નામ છે જીતુદાન ગઢવી (ટાપરીયા). તેમણે 32 જેટલા ચારણી સાહિત્યના ગ્રંથો લખીને લોકાર્પણ કર્યા છે. સાહિત્યકારોની દુનિયામાં જીતુદાન ગઢવીનું નામ ગર્વથી લેવાય છે. વડોદરા સાથે પણ તેમનો નાતો રહ્યો છે. કવિ જીતુદાન ગઢવી 1990 થી 1996 સુધી વડોદરામાં છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા હતા અને તે દરમિયાન અહીં પણ તેમણે રઢિયાળી રાતના ડાયરા યોજ્યા હતા, જે આજે પણ વડોદરાના સાહિત્યપ્રેમીઓના સ્મરણમાં છે. જીતુદાન ગઢવી વાંકાનેર સ્ટેટના દસોંદી પરિવારના સપૂત હતા. નાની વયે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને તેમણે ડાયરાને સિસ્ટમેટિક સ્વરૂપમાં લાવી રઢિયાળી રાત રૂપે દેશ-વિદેશમાં રજૂ કરીને ખ્યાતિ મેળવી હતી. તે સમયે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ તેમણે ચારણી સાહિત્યની લ્હાણ કરી હતી. હાલમાં મોરારી બાપુ પણ તેમના હિતચિંતક રહ્યા છે. આ પરંપરાને આગળ ધપાવનાર તેમના પરિવારમાંથી ટાપરીયા હિતેષ જશવંતસિંહનો ઉલ્લેખ કરવો રહ્યો. હિતેષ ટાપરીયા ફાયર બ્રિગેડ અધિકારી તરીકે 38 વર્ષની નોકરી બાદ તેઓ નિવૃત્ત થયા છે. તેમની સેવા બદલ વર્ષ 2005માં રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયો હતો, જે જૂનાગઢ ખાતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. જન્મે ચારણ અને રાજકવિ કુળમાંથી હોવાથી કંઠ, કલમ અને કહેણી તેમના લોહીમાં છે. તેમના પિતા જશુભાઈ ટાપરીયાએ અમર ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો હતો, જેનું લોકાર્પણ તે સમયના ગવર્નર શારદાબેન મુખર્જીના હસ્તે થયું હતું. આ ઉપરાંત કાનુડાના બાગમાં ચંપો ને… અને હાલોને માડી ગરબે રમાડું જેવા પ્રચલિત ગીતો પણ તેમણે આપ્યા છે. આમ ચારણી સાહિત્ય આજે માત્ર જાતિ પૂરતું ન રહેતા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની રહ્યું છે.
Vadodara : નાયિકા ભેદ પુસ્તક થકી ગુજરાતી સાહિત્ય સાથે નૃત્યનું જ્ઞાન મેળવતા MSUનાં વિદ્યાર્થીઓ
📅 Published: October 14, 2026 |
📂 Category: Baroda
