પાદરામાં અપંગના ઓજસ-ગુજરાત સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની સ્નેહસભર ઉજવણી કરાઇ હતી. સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ અને સ્પેશિયલ બાળકોને નવાં વસ્ત્ર્રોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. સાથે જ બાળકો અને તેમના પરિવારજનો માટે વિશેષ ખાદ્યોત્સવનું આયોજન કરાયું હતું. દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પુનર્વસન માટે કાર્યરત સંસ્થા દ્વારા પ્રકાશપર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોને તેમની પસંદગી મુજબ નવાં કપડાંની ખરીદી કરાવી તેનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. નવાં વસ્ત્ર્રો મેળવી બાળકોમાં ખુશી છવાઈ હતી. રાત્રે બાળકો અને પરિવાર માટે ખાદ્યોત્સવ યોજાયો હતો. જેમાં રાજસ્થાની પાણીપુરી, ભેળ, ગરમાગરમ ઢોકળાં, ચટાકો, પાપડીનો લોટ તેમજ સૌના મનપસંદ ભૂંગળા-બટાકા સહિતની વાનગી પીરસાઇ હતી. બાળકોએ પરિવાર સાથે વિવિધ વાનગીનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને દયા કે સહાનુભૂતિ કરતાં સમાન તક, આત્મસન્માન અને સ્નેહપૂર્ણ પ્રોત્સાહનની વધુ જરૂર છે.
Vadodara : પાદરામાં દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની યાદગાર ઉજવણી કરાઇ
📅 Published: November 3, 2026 |
📂 Category: Baroda
