20
પાવીજેતપુર તાલુકામાં રતનપુરથી પાવીજેતપુરને જોડતા તેમજ પાવીજેતપુર વન કુટીરથી લઈને છેક ચલામલી સુધી જતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ માર્ગ પરથી પસાર થતાં ભારે વાહનોને કારણે સતત માટી અને ધૂળની ડમરીઓ ઉડે છે. જેનાથી રાહદારી ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
આ રસ્તાના નવીનીકરણ અને પહોળા કરવા માટે બી. ડી. સોરઠીયા એજન્સીને આશરે રૂા.29 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો છે. હાલના 5.50 મીટર પહોળા રસ્તાને વધારીને 10 મીટર પહોળો કરવાનો પ્રોજેક્ટ છે. તંત્ર દ્વારા અગાઉ એવા દાવા પણ કરાયા હતા કે, ચોમાસા પૂર્વે ડામરિંગનું ઓછામાં ઓછું એક લેયર પૂરું કરી દેવાશે. જેથી રસ્તો વાહનવ્યવહાર માટે ઉપયોગી બની શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ચોમાસું વીત્યું હોવા છતાં સ્થળ પર કોઈ નક્કર કામગીરી કરાઇ નથી. કામ સાવ ઠપ છે. રસ્તાનું કામ અધવચ્ચેથી ખોરંભે પડતાં એટલા મોટા પ્રમાણમાં ધૂળ ઊડે છે કે, ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા અવરજવર કરતા લોકોની આંખો અને માથામાં ધૂળના થર જામી જાય છે. પાવીજેતપુર મુખ્ય મથક હોવાથી રોજેરોજ હજારો લોકોની અહીં આવન-જાવન રહે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર દ્વારા આપને દ્વાર જેવા કાર્યક્રમો ચલાવાય છે. પરંતુ પ્રજાની આવી પાયાની અને ગંભીર હાલાકી તંત્રને કેમ દેખાતી નથી ? કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવે અને રૂા.29 કરોડના ખર્ચે મંજૂર થયેલા આ માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવી લોકોને ધૂળ અને ખાડામાંથી મુક્તિ અપાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
