સરળ હપ્તે અને ઓછા વ્યાજે બેંક લોન અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણી લૂંટતી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગ સામે વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. વડોદરાના બે નિર્દોષ નાગરિકોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લેવાના મામલામાં સાયબર ક્રાઈમ ટીમે દિલ્હી ખાતે ધામા નાખીને એક ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડના મુખ્ય બે આરોપીઓ જિતેન્દ્રકુમાર મૌર્ય અને અભિષેક હેમલકુમારને દિલ્હીથી દબોચી લઈ વડોદરા લઈ આવી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
દિલ્હીમાં ઊભું કર્યું હતું કોલ સેન્ટર, યુવાનોને રાખી ચલાવાતો ગોરખધંધો
સાયબર ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.આરોપીઓએ દેશના રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં વ્યવસ્થિત રીતે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ઊભું કર્યું હતું.આ કોલ સેન્ટરમાં સ્થાનિક યુવક-યુવતીઓને નોકરી પર રાખવામાં આવ્યા હતા, જેઓ બેંકના પ્રતિનિધિ બનીને લોકોને ફોન કરતા હતા.જાણીતી બેંકોમાંથી પર્સનલ કે બિઝનેસ લોન પાસ કરાવવાના બહાને પ્રોસેસિંગ ફી, જીએસટી અને ઈન્સ્યોરન્સ ચાર્જના નામે લોકો પાસેથી ઓનલાઈન લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા.વડોદરાના બે નાગરિકો પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લઈ લોન ન આપી છેતરપિંડી આચરવામાં આવી હતી.
ડિજિટલ ફૂટપ્રિન્ટ અને ઈમેલ આઈડીના આધારે આરોપીઓ ટ્રેસ થયા
ભોગ બનનાર નાગરિકોએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતાં જ પોલીસે ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું.ઠગ ટોળકી દ્વારા લોન આપવાના નામે બનાવટી ઈમેલ મોકલવામાં આવતા હતા.સાયબર ટીમે આ ઈમેલ આઈડી, આઈપી એડ્રેસ અને બેંક ટ્રાન્ઝેક્શનને ટ્રેસ કરીને દિલ્હી સ્થિત અડ્ડાની ચોક્કસ ભાળ મેળવી હતી.સ્થાનિક પોલીસની મદદ મેળવી વડોદરા સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીમાં ઓચિંતો દરોડો પાડી મુખ્ય સૂત્રધાર જિતેન્દ્રકુમાર મૌર્ય અને અભિષેક હેમલકુમારની ધરપકડ કરી લીધી હતી.
મોબાઈલ, લેપટોપ અને સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓના કબજામાંથી ઓનલાઈન છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે.7 સ્માર્ટફોન,2 લેપટોપ,2 ઇન્ટરનેટ રાઉટર,5 બોગસ સિમ કાર્ડ આ સાધનોમાં રહેલા ડેટાની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ છે, જેના આધારે આ ગેંગે દેશભરમાં અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તેની માહિતી બહાર આવશે.
