Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા

📅 Published: August 31, 2026 | 📂 Category: Baroda
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટે અત્યંત કડક અને મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2024માં નવરાત્રી દરમિયાન સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં 5 આરોપીઓને જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

નવરાત્રીના પર્વ દરમિયાન બની હતી ગંભીર ઘટના

4 ઓક્ટોબર 2024ની રાત્રે સગીરા નવરાત્રીમાં ગરબા રમીને પરત ફરી રહી હતી. તે પોતાના મિત્ર સાથે એક અવાવરું સ્થળેથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીઓએ તેને આંતરી હતી. કોર્ટે નોંધ્યું કે નવરાત્રી શક્તિ અને સ્ત્રી સન્માનનો પર્વ છે અને આવા પવિત્ર તહેવાર દરમિયાન સગીરા સાથે થયેલી ગંભીર ઘટનાને હળવાશથી લઈ શકાય નહીં.

3 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું, 2 ફરાર થયા હતા

કેસની વિગતો મુજબ સૈફઅલી મહેંદીહસન બંજારા અને અજમલ સતાર બંજારા સ્થળ પરથી ભાગી ગયા હતા, જ્યારે મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા અને શાહરૂખ કિસ્મતઅલી બંજારાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

સગીરાનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો

દુષ્કર્મ બાદ આરોપીઓએ સગીરાનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. જોકે મોબાઈલ પર કોલ આવતા આરોપીઓમાંથી એકે ફોન ઉપાડ્યો હતો. ત્યારબાદ મોબાઈલના લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી.

ઈશાન કુમાર જજમેન્ટના આધારે સજા

કોર્ટે ઈશાન કુમાર જજમેન્ટને ધ્યાનમાં રાખીને કેસમાં કડક સજાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. કોર્ટે નોંધ્યું કે સ્ત્રી સમાજના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આવી બાળકી પર દુષ્કર્મ જેવી ઘટના અત્યંત ગંભીર છે. ગુજરાતમાં ‘બેટી બચાવો’ જેવા અભિયાનો ચાલી રહ્યા છે ત્યારે આવા ગંભીર કૃત્યોને ચલાવી શકાય નહીં અને આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી જરૂરી હોવાનું કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે.

પુરાવા અત્યંત મજબૂત હોવાનું કોર્ટનું નિરીક્ષણ

કેસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અત્યંત મજબૂત હોવાનું પણ કોર્ટના ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. પોલીસે આ કેસમાં અંદાજે 6,000 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. ટેક્નિકલ પુરાવા, સાક્ષીઓ અને તપાસ દરમિયાન એકત્ર કરાયેલા અન્ય પુરાવાઓ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

દરેક આરોપીને 50 હજારનો દંડ

કોર્ટે તમામ 5 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા સાથે દરેક આરોપીને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ ભોગ બનનાર સગીરાને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

22 મહિનામાં પીડિતાને ન્યાય

આ કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા 3 સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી હતી. તપાસ અને કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અંદાજે 22 મહિનામાં પીડિતાને ન્યાય મળ્યો છે.

સજા પામેલા 5 આરોપીઓ

મુન્ના અબ્બાસ બંજારા
મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા
શાહરૂખ કિસ્મતઅલી બંજારા
સૈફઅલી મહેંદીહસન બંજારા
અજમલ સતાર બંજારા
આ પણ વાંચો     :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *