વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ઘોર વહીવટી બેદરકારીના કારણે શહેરમાં ચાલી રહેલી 400થી વધુ આંગણવાડીઓના ભૂલકાંઓ છેલ્લા સાત દિવસથી દૂધ મેળવવાથી વંચિત રહી ગયા છે. માસૂમ બાળકોના પોષણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ યોજનામાં અચાનક દૂધનો પુરવઠો બંધ થઈ જતાં આંગણવાડીના સંચાલકો તેમજ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના વિલંબિત વહીવટના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.
બિલ મંજૂર ન થતાં ‘તારામંડળ’ એજન્સીએ સપ્લાય અટકાવ્યો
આંગણવાડીઓમાં દૂધ પહોંચાડવાની જવાબદારી ધરાવતી ‘તારામંડળ’ નામની સપ્લાયર એજન્સીને પાલિકા તરફથી સમયસર પેમેન્ટ ન મળતાં તેણે દૂધનો સપ્લાય બંધ કરી દીધો છે. એજન્સીનો દાવો છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમને છેલ્લું પેમેન્ટ ગત 21 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાકી નીકળતાં નાણાંની ચૂકવણી ન થવાના કારણે એજન્સીએ દૂધનો જથ્થો મોકલવાનું બંધ કરવાનો આકરો નિર્ણય લીધો હતો.
પાલિકાનો બચાવ: બિલ ઓડિટ શાખામાં મંજૂરી હેઠળ
દૂધ સપ્લાય બંધ થવાના વિવાદ અંગે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન એજન્સીને નિયમિતપણે ચૂકવણી કરવામાં આવી હતી. એજન્સીનું નવું બિલ 16 સપ્ટેમ્બરે હિસાબી શાખામાં રજૂ થયું હતું, જે હાલ ઓડિટ શાખામાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું છે. ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ દૂધનો પુરવઠો પુનઃ શરૂ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ સરકારી કાગળિયાની નીતિના લીધે માસૂમ બાળકોને દૂધ વગર રહેવું પડી રહ્યું છે.
