નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વડોદરા ગ્રામ્ય પોલીસે ટેક્નોલોજીના ઉપયોગ સાથે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગરબા રમવા જતી બહેનો મોડી રાત્રે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે તેવા હેતુથી નવરાત્રી સુરક્ષા મોબાઇલ એપ લોન્ચ કરાઇ છે.
જેમાં મહિલાઓ અને યુવતીઓ મોબાઇલ નંબર દ્વારા OTPની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ પોતાના ઘરનું લોકેશન સેવ કરી ગરબા સ્થળના પ્રવેશદ્વાર પર લગાવેલા QR કોડને સ્કેન કરીને સુરક્ષા વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. ગરબા પૂર્ણ થયા બાદ ઘરે સુરક્ષિત રીતે પહોંચ્યા અંગે પોલીસને આપોઆપ જાણ થાય તેવી સુવિધા આ એપમાં રખાઇ છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા મહોત્સવમાં ભાગ લેવા બહાર નીકળતી હોય છે. ખાસ કરીને મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે તેમની સુરક્ષાને લઈને પરિવારજનોમાં ચિંતા રહેતી હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે આ ટેક્નોલોજી આધારિત પહેલ હાથ ધરાઇ છે. ડભોઇના APMC ગ્રાઉન્ડ ખાતે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા આયોજિત દર્ભાવતી નવરાત્રી મહોત્સવ-2026માં પણ આ પહેલને અમલમાં મૂકાઇ છે. ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે પોલીસ દ્વારા બહેનોને નવરાત્રી સુરક્ષા એપ અંગે માહિતી આપી તેમનું રજિસ્ટ્રેશન કરાવાઇ રહ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડભોઇ PI એ.ટી. પટેલની અધ્યક્ષતામાં મહિલાઓનેએપમાં જોડવાની કામગીરી હાથ ધરાઇ છે.
