Vadodara: યુવતી અને તેમના પતિ નેપાળના જળપ્રલયમાં સંપર્ક વિહોણા

📅 Published: August 27, 2026 | 📂 Category: Baroda

કૈલાશ માન સરોવરની યાત્રાએ ગયેલું મૂળ અમદાવાદનુ દંપતી નેપાળમાં આવેલા ભયાવહ પૂરમાં ફસાઈ ગયું છે. વડોદરા ખાતે રહેતી યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા વેપારી સાથે થયા હતાં. જેઓ પાછલા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા છે. માન સરોવરની યાત્રાએ જવા માટે ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને કાઠમંડુ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યાત્રાએ જતા પૂર્વે ઈમીગ્રેશન સેન્ટર ખાતે હતા ત્યારે પૂર આવતા દંપતી ફસાઈ ગયુ હતુ. ગઈકાલે મળસ્કે મળેલા છેલ્લા મેસેજ બાદ 36 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને લઈને વડોદરાના પીયર પક્ષ, અમદાવાદ ખાતેનુ સાસરીપક્ષ અને ન્યૂઝીલેન્ડ ખાતેના દંપતીના બન્ને સંતાનોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મૂળ અમદાવાદના મણીનગર ખાતે આવેલા પૂજા ફ્લેટમાં રહેતા મિહિરભાઈ (હાલ ઉંમર 50)ના લગ્ન વડોદરા ખાતે રહેતી કિન્નરીબેન (હાલ ઉંમર 48) સાથે થયા હતાં. લગ્ન બાદ તેઓ ન્યૂઝીલેન્ડ ખાતે સ્થાયી થઈ ગયા હતાં અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં જ રહે છે. ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ધરાવતા મિહિરભાઈના સુખી લગ્ન જીવનમાં બે સંતાનો છે. કૈલાશ માન સરોવર યાત્રાને લઈને દંપતી ખૂબ ઍક્સાઈટ હતું. હજુ ત્રણ મહિના પૂર્વે જ તેમણે 15 દિવસની આ માન સરોવર યાત્રાનુ પ્લાનિંગ કર્યુ હતું.

ગત તા.21 ઓગસ્ટે ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને તેઓ તા.23મી ઓગસ્ટે કાઠમંડુ ખાતે પહોંચ્યા હતાં. તા.25મી ઓગસ્ટે મિહિરભાઈએ અમદાવાદ ખાતે રહેતા ભાઈ ઉત્પલભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ ગઈકાલે તા.26મીએ માન સરોવર યાત્રાએ જવા માટે નીકળ્યાં હતા. જે માટે તેઓ તિમુરે ખાતે ઈમિગ્રેશન એરિયામાં હતાં. તે દરમિયાન જ પૂર આવ્યું હતું.

ગઈકાલે મળસ્કે 4-51 કલાકે મિહિરભાઈએ વોટ્સ એપ મેસેજ થકી બહેનને આ બાબતે જાણ કરી હતી. એ પછી તેમનો કોઈ સંપર્ક જ થઈ શક્યો ન હતો. આ વાતને 36 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે, પરંતુ મિહિરભાઈ અને કિન્નરીબેન હજુ પણ સંપર્ક વિહોણા છે. જેમની શોધખોળ હજુ જારી છે. દંપતી લાપતા થતા ન્યૂઝીલેન્ડ, અમદાવાદ અને વડોદરા ખાતે રહેતા પરિવારજનો-સગાસંબંધીઓ ચિંતાતૂર થઈ ગયા છે. વડોદરા ખાતે રહેતા કિન્નરીબેનના પરિવારજનોએ આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક કરીને મિસીંગ બાબતે માહિતી પુરી પાડી હતી અને દંપતી હેમખેમ પરત ફરે તેવી પરિવારજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *