પાદરા
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આવતીકાલના વડોદરા-પાદરા પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો છે. રાષ્ટ્રપતિ તાજપુરા ખાતે ઓમ શાંતિ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનું લોકાર્પણ કરવાના હોવાથી સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું અંતિમ રિહર્સલ હાથ ધરાયું હતું.
વડોદરા ખાતે રાષ્ટ્રપતિના રોકાણ સ્થળથી લઈને પાદરાના તાજપુરા સ્થિત કાર્યક્રમ સ્થળ સુધી રાષ્ટ્રપતિના કાફ્લાની અવરજવરનું રિહર્સલ કરાયું હતું. દરમિયાન સમગ્ર રૂટનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. રાષ્ટ્રપતિના કાફ્લાના પસાર થવાના માર્ગ પર વિવિધ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત, ટ્રાફ્કિ વ્યવસ્થા, સુરક્ષા પ્રોટોકોલ તથા તૈનાત અધિકારીઓ અને પોલીસની કામગીરી ચકાસાઇ હતી. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાનું પણ રિહર્સલ કરાયું હતું. રિહર્સલ દરમિયાન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પોલીસ વિભાગ સાથે સંકળાયેલ વિવિધ સુરક્ષા એજન્સીના અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સમગ્ર રૂટ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરી સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.
