Vadodara :રોડ સામે છતાં ટ્રાફિકનો ત્રાસ, અક્ષર ચોક -સમિયાલાને જોડતો રસ્તો ક્યારે ખુલશે ?

📅 Published: September 21, 2026 | 📂 Category: Baroda

વડોદરા – પાદરા મુખ્યમાર્ગ પર ટ્રાફિકનું ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે, છતાં તૈયાર વૈકલ્પિક માર્ગ ધૂળ ખાઈ રહ્યો છે. અક્ષર ચોકથી સમિયાલા ફાટક સુધીનો 12 મીટરનો સમાંતર રોડ ખુલ્લો કરવામાં આવે તો વડોદરા – પાદરા મુખ્યમાર્ગ પરનો ટ્રાફિક સીધો હળવો થઈ શકે તેમ હોવા છતાં અધિકારીઓ – નેતાઓ આંખ આડા કાન કરી પ્રજાને ટ્રાફિકની પીડામાંથી બહાર લાવવાની દિશામાં ઠોંસ કાર્યવાહી કરતાં નથી. અહીં ઓવરબ્રિજને મંજૂરી મળ્યા બાદ પણ કામગીરી શરૂ નહીં થતાં રોજરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે.

પાદરામાં આવેલી કંપનીઓ તથા બિલ, ચાપડ અને અટલાદરમાં થઈ રહેલા નવા બાંધકામોને કારણે વડોદરા – પાદરા રોડ પર ભારદારી વાહનોની સાથે નોકરિયાત વર્ગની સતત અવરજવર રહે છે. હવે, વડાપ્રધાનના મહત્વાકાંક્ષી દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે, રેલવે ફ્રેડકોરીડોર અને વેસ્ટર્ન બાયપાસ જેવા મોટા પ્રોજેક્ટના કારણે આગામી સમયમાં આ મુખ્યમાર્ગ પર વાહન વ્યવહારનું પ્રમાણ અનેકગણું વધવાનું છે. ખાસ કરીને મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ વે સમિયાલા – ભાયલી વિસ્તારમાંથી પસાર થાય છે. તેમજ એક્સપ્રેસ વે પર અવરજવર માટે સમિયાલા – પાદરા રોડ પર એક્ઝિટ – એન્ટ્રી અપાઈ છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે, એક્સપ્રેસ વેથી ઉતરીને શહેરમાં પ્રવેશો તો સમિયાલા ફાટક પાસે જ રોડ બોટલ નેક (સાંકડો) થઈ જાય છે. જે બાદ આગળ બાંકો કંપની ચાર રસ્તા સુધી જતાં પરિસ્થિતિ ઓર વણસે છે. અહીં લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને મોટાભાગે અડધા કલાકથી એક કલાક સુધી પ્રતિક્ષા કરવી પડે છે. જેના કારણે ઈંધણનો વ્યય થવાની સાથે લોકોનો સમય પણ વેડફાય છે. જેથી વડોદરા – પાદરા રોડ પર રદ થયેલી રેલવે લાઈન તથા તેની બાજુમાં આવેલા 12 મીટરનો ડીપી/ટીપી રોડ ખોલી તેને પાક્કો બનાવવામાં આવે તો મુખ્યમાર્ગ પર ટ્રાફિકનું ભારણ મહંદઅંશે ઘટી જાય તેમ છે. તેમજ સમિયાલાથી અક્ષર ચોક સુધીની સીધી કનેક્ટિવીટી પણ મળી જશે. તદ્દ ઉપરાંત અકસ્માતના બનાવો ઓછા થવાની સાથે ડિઝલની બચત અને વડાપ્રધાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ પરિપૂર્ણ થશે. નોંધનીય છે કે, બાંકો કંપની ચાર રસ્તા પાસે મંજૂર થયેલો બ્રિજ બનાવવામાં આવે તો પણ વડોદરા – પાદરા રોડ પર ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકોને રાહત થાય તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *