Vadodara: સાવધાન રહેજો, આઈસ્ક્રીમથી પનીર સુધી 19 ફૂડ સેમ્પલ ફેલ, ગુણવત્તાનો મોટો ભાંડો ફૂટ્યો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લેબોરેટરીમાં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 19 ખાદ્યપદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ તો કેટલાકને અનસેફ જાહેર કરવામાં આવ્યા છે.

તપાસમાં સૌથી વધુ 7 આઈસ્ક્રીમના નમૂના નાપાસ થયા

તપાસમાં સૌથી વધુ 7 આઈસ્ક્રીમના નમૂના નાપાસ થયા છે. આ ઉપરાંત પનીરના 3, મિનરલ વોટરના 2 તેમજ માવો, ઘી, સેવ, હળદર, તુવેર દાળ અને રવા સહિતના વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ પણ ગુણવત્તાના માપદંડોમાં ખરા ઉતર્યા નથી. આ રિપોર્ટ બાદ શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલી પેઢીનું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો  

ગુણવત્તાને લગતી ખામીઓ જોવા મળી

તપાસ દરમિયાન કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે રાજભોગ આઈસ્ક્રીમનો નમૂનો સબસ્ટાન્ડર્ડ હોવાની સાથે અનસેફ પણ જાહેર કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સેવ, ઢોસા, પનીર અને હળદર સહિતના ખાદ્યપદાર્થોના નમૂનાઓ અંગે પણ ગુણવત્તાને લગતી ખામીઓ સામે આવી છે.

VMCની તપાસમાં નાપાસ થયેલી પેઢીઓ અને ખાદ્ય નમૂનાઓ

શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝ — માવો (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

સહજાનંદ સુપર સ્ટોર — ગોળ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

કમલા એન્ટરપ્રાઇઝ — વેનીલા આઈસ્ક્રીમ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

દયા આઇસ ફેક્ટરી — પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર — સબ સ્ટાન્ડર્ડ

ન્યુ મહાલક્ષ્મી સુપર માર્કેટ— તુવેરદાળ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

શ્રીનાથજી ડેરી ફાર્મ — પનીર — સબ સ્ટાન્ડર્ડ

શેટ્ટીસ કિચન (સ્વાતિ એન્ટરપ્રાઇઝ) — રવા ઘી પોડી ઢોસા (પ્રીપેક્ડ) — સબ સ્ટાન્ડર્ડ

શ્રી સાંઈ સુરતી ઢોસા પાવભાજી એન્ડ ચાઈનીઝ — પનીર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી — આઈસ્ક્રીમ રોજ ફ્લેવર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી — આઈસ્ક્રીમ કાજુદ્રાક્ષ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

અમૃતસરી કુલ્ચા — ફ્રેશ પનીર મીડિયમ ફેટ — સબ સ્ટાન્ડર્ડ

મૃદા એન્ટરપ્રાઇઝ — આઈસ્ક્રીમ (બ્લેક કરંટ) — સબ સ્ટાન્ડર્ડ

ભાનુ સેલ્સ— પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર — સબ સ્ટાન્ડર્ડ

અનામીકા એન્ટરપ્રાઇઝ — આઈસ્ક્રીમ (રોસ્ટેડ બદામ અંજીર) — સબ સ્ટાન્ડર્ડ

અર્બન વેન્ચર્સ — પનીર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

માધવજીમસાલા મિલ — હળદર પાઉડર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લર — આઈસ્ક્રીમ (વેનિલા) (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

શિવ ફરસાણ રાજકોટવાળા — સેવ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ

શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યૂસ ફતેગંજ— આઈસ્ક્રીમ (રાજભોગ) (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ

કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા 

આરોગ્ય માટે જોખમી અથવા ગુણવત્તાના ધોરણોમાં ખરા ન ઉતરતા ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓ સામે હવે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા 

શહેરમાં રોજિંદા મોટા પ્રમાણમાં લોકો દ્વારા ખરીદવામાં આવતા અને ખાવામાં આવતા ખાદ્યપદાર્થોના નમૂના નાપાસ થતાં ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને આઈસ્ક્રીમ અને પનીર જેવી ચીજવસ્તુઓના નમૂનાઓ નાપાસ થતાં ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં શહેરમાં સેમ્પલિંગ અને ચકાસણીની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે. 

  આ પણ વાંચો  :  Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *