વડોદરા શહેરની પેરીફરીમાંથી પસાર થતાં સૂચિત 75 મીટર રિંગ રોડનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હવે, બીજા તબક્કાની કામગીરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. બીજા તબક્કામાં 17.56 કિ.મી.નો રોડ જ નહીં પરંતુ તેની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરાશે. જેમાં 4 બ્રિજ અને 3 અંડરપાસ તૈયાર કરાશે. આમ, બીજા તબક્કાની કામગીરી પાછળ લગભગ રૂ.483 કરોડનો ખર્ચ થશે અને આ બીજો તબક્કો દોઢ વર્ષ એટલે કે 2028માં પૂર્ણ થશે.
શહેર- ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે રિંગ રોડ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે ત્યારે વડોદરા શહેરના પેરીફરીમાં આવેલ વુડા વિસ્તારમાંથી 75 મીટર અને 90 મીટર એમ બે સૂચિત રિંગ રોડ ડેવલપમેન્ટ પ્લાન્ટમાં મૂકાયા હતાં. જે પૈકી 75 મીટર રિંગ રોડનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.
કુલ 66.95 કિ.મી.ની સૂચિત લંબાઈ ધરાવતા આ રિંગ રોડને પૂર્ણ કરવા માટે વુડાએ ચાર તબક્કામાં વિભાજિત કર્યો હતો. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.317 કરોડના ખર્ચે વુડાના પૂર્વ અને પિૃમ વિસ્તારમાં 27.58 કિ.મી.ના રોડ બનાવવાનો હતો, જે કામ લગભગ હવે પૂર્ણ થઈ ગયું છે. માત્ર સેવાસી ખાતે ચુનિંદા સર્વે નંબરના રસ્તા ખોલવાના બાકી છે ત્યારે હવે વુડાએ બીજા તબક્કા તરફ આગળ વધવા કવાયત હાથ ધરી દીધી છે.
તાજેતરમાં મળેલી વુડાની બોર્ડ બેઠકમાં આ રિંગ રોડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. વુડાના અધ્યક્ષ અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઉપરોક્ત રિંગ રોડના બીજા તબક્કાના કામની દરખાસ્તને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. બીજા તબક્કામાં 17.56 કિ.મી.નો રોડ બનાવાશે. જેમાં વડોદરા-આજવા રોડ થી વડોદરા- હાલોલ રોડ સુધી 11.76 કિ.મી. અને ડભોઈ રોડના રતનપુરથી નેશનલ હાઈવે-48 પર આવેલ ત્રિમંદિર સુધી 5.80 કિ.મી.નો રોડ બનાવાશે. જેમાં ધન્યાવી, સુંદરપુરા, વરણામા, વોરા ગામડી, અમલીયારા, કુમેઠા, મોકરલીપુરા, અલ્હાદુરા વિગેરે ગામોને આવરી લઈને જુદી જુદી ટીપી સ્કીમો પાડવામાં આવશે.આ રિંગ રોડનું કામ લગભગ દોઢ વર્ષ એટલે કે 2028માં પૂર્ણ થવાનો પ્રાથમિક અંદાજ છે.
બીજા તબક્કામાં માત્ર રોડ નહીં પરંતુ સિવિલ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ઊભું કરાશે. જેમાં સૂચિત રિંગ રોડમાં આવતા ભાગમાં ક્રોસિંગ માટે 3 અંડર પાસની સાથે જામ્બુવા નદી પર માઈનોર ઓવર બ્રિજ, નર્મદા કેનાલ પર એક માઈનોર ઓવરબ્રિજ, એક રેલવે ઓવર બ્રિજ અને એક આર.ઓ.બી. બનાવાશે. બીજા તબક્કાની કામગીરી કરવામાં અંદાજે રૂ.483 કરોડનો ખર્ચ થશે. જે માટે મંજૂરીની દરખાસ્ત ગત તા.29-11-2025ના રોડ વુડાએ સરકારમાં મોકલી આપી હતી. એ પછી ગત તા.5-2-2026નાં રોજ ગુજરાત અર્બન ડેલપમેન્ટ મિશન સમક્ષ કરાયેલા પ્રેઝન્ટેશન પછી વિકસિત ગુજરાત ફંડ હેઠળ ગત તા.18-2-2026નાં રોજ આ રિંગ રોડના બીજા તબક્કાની કામગીરી અને તેને લગતા ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. જેમાં નાણાકીય વર્ષ 2026-27માં કુલ 75 કરોડની કામગીરી કરવા માટે ગ્રાન્ટ ફાળવેલી છે. હવે, વિગતવાર નક્શા, અંદાજે બનાવવા, ટૅકનિકલ મંજૂરી વિગેરે કામે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
