Vadodara Accident Update : ગોત્રી પોલીસ મથકે મૃતકોના પરિવારજનોનો આક્રોશ, કાર ચાલક નબીરાને ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગ!

📅 Published: October 24, 2026 | 📂 Category: Crime

વડોદરા શહેરમાં તાજેતરમાં સર્જાયેલા ભયાનક અકસ્માતના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે મૃતકોના પરિવારજનો તેમજ સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ગીરજા મિસ્ત્રી અને અમિત પઢીયારના પરિવારજનોની આંખોમાં આંસુ અને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. પરિવારજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા માંગ કરી હતી કે નિર્દોષ લોકોનો ભોગ લેનાર બેફામ કાર ચાલક નબીરાને કાયદાની સૌથી કડક સજા થવી જોઈએ અને તેને ફાંસી આપવામાં આવે.

બેફામ કાર ચાલકે 7 વાહનોને લીધા હતા અડફેટે

પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે ગીરજા મિસ્ત્રી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલી એક બેકાબૂ કારના ચાલકે રસ્તા પર આડેધડ વાહન હંકારીને કુલ 7 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ઈજાગ્રસ્તો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ચારેય બાજુ ઈજાગ્રસ્તો જીવ બચાવવા માટે તરફડી રહ્યા હતા.” આ કરુણ ઘટનામાં એક માસૂમ પુત્રએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે, તો એક ભાઈએ પોતાના વ્હાલસોયા ભાઈને સદા માટે ગુમાવી દીધો છે.

“પોલીસ ધારે તો આરોપી છૂટી ન શકે”, કડક કલમો ઉમેરવા પોલીસ સમક્ષ રજૂઆત

પોલીસ મથકે પહોંચેલા રોષે ભરાયેલા પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આવા ગંભીર ગુના આચરનાર નબીરાઓ અદાલતી છટકબારીઓનો લાભ લઈને કે જામીન પર સહેલાઈથી છૂટી જતા હોય છે. તેમણે પોલીસ તંત્રને અપીલ કરતા કહ્યું હતું કે, “પોલીસ ધારે તો આરોપી ક્યારેય છૂટી ન શકે.” પરિવારજનોએ સ્પષ્ટ વિનંતી કરી છે કે પોલીસ આ કેસમાં તમામ કડક અને ગંભીર કલમોનો ઉમેરો કરે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા ડરે અને પીડિત પરિવારને સાચો ન્યાય મળી શકે.

આ પણ વાંચો : Vadodaraમાં નબીરાનો કહેર, હરિનગર બ્રિજ પર વૈભવી કારે 5 થી 9 વાહનોને અડફેટે લેતા બે લોકોનાં કમકમાટીભર્યા મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *