Vadodara: ATSએ ઝડપેલા જૈશના આતંકી સહારુલ ઇસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર! દિલ્હીથી પણ જૈશનો શંકાસ્પદ ઝડપાયો

📅 Published: November 28, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા 27 નવેમ્બરના રોજ વડોદરામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ સહારુલ ઇસ્લામની AK-47 રાઇફલ અને 23 રાઉન્ડ દારૂગોળા સાથે ધરપકડ કરાયા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. હાલ આ આતંકી 14 દિવસના રિમાન્ડ પર છે અને વડોદરા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરાયું છે, તો બીજી તરફ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પણ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શંકાસ્પદની ધરપકડ કરી છે.

હોટેલ મિલનમાં 17 કલાક રોકાયો હતો નવા સિમના લોકેશન પરથી ATSએ દબોચ્યો

ગુજરાત ATSની તપાસમાં આતંકી સહારુલ ઇસ્લામની ગતિવિધિઓ અંગે મહત્વની વિગતો સામે આવી છે. સહારુલ વડોદરામાં એક દિવસ રોકાયો હતો, કારણ કે તેના હેન્ડલરે તેને એક દિવસ વડોદરામાં વિતાવવાનો ટાસ્ક આપ્યો હતો. તે વડોદરાની હોટેલ મિલનમાં 17 કલાક રોકાયો હતો.ત્યારબાદ તેણે મોબાઈલમાં નવી સિમ નાખી હતી અને દાહોદ તરફ ગયો હતો. તેના જૂના સિમનું લોકેશન વડોદરા સ્ટેશન વિસ્તારમાં મળતા ATS વડોદરા આવી હતી, અને ત્યારબાદ તેના નવા સિમના લોકેશનના આધારે ATSએ તેને ઝડપી પાડ્યો હતો.હાલ આતંકી 14 દિવસના રિમાન્ડ પર છે અને આકરી પૂછપરછમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

સયાજીગંજ અને અલકાપુરીમાં SOG-બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ

આતંકી ઝડપાયા બાદ સુરક્ષાના ભાગરૂપે વડોદરા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું છે.ખાસ કરીને મકરપુરા એરફોર્સ સ્ટેશનના આસપાસના એરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું છે.SOG, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કવોડ સહિતની ટીમોએ સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું છે.આ ઉપરાંત શહેરના ભીડભાડવાળા સયાજીગંજ અને અલકાપુરી ખાતે પણ ચેકિંગ કરાયું છે.

દિલ્હીમાં પણ જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ ઝડપાયો

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં પણ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શંકાસ્પદની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખીને તેને ઝડપી પાડ્યો છે. હાલ ગુજરાતમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સાથે તેની કોઈ કડી છે કે કેમ તે તપાસાઈ રહી છે અને આતંકી સંગઠન સાથેના જોડાણ અંગે તપાસ એજન્સીઓએ તપાસ વધુ તેજ બનાવી છે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યના ફાયર નિયામક નલિનકુમાર ચૌધરીનું રાજીનામું મંજૂર! 23 નવેમ્બરથી અમલી બને તે રીતે સરકારે રાજીનામું સ્વીકાર્યું



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *