ધ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2026માં લેવાયેલી CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. વડોદરા બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા 1,325 પૈકી 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં સિટી ટોપર હર્ષ સરવૈયાએે 16મો AIR મેળવ્યો હતો.
વડોદરા સેન્ટર પરથી કુલ 1325 વિદ્યાર્થીઓએ ગત સપ્ટેમ્બરમાં CA ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર થયું, જેમાંથી 306 વિદ્યાર્થીઓ સફ્ળ થતાં બ્રાન્ચનું કુલ પરિણામ 23.09 ટકા નોંધાયું હતું. બંને ગ્રૂપ માટે 473 પૈકી 70 વિદ્યાર્થીઓએ (14.80 %) બંને ગ્રૂપ ક્લિયર કર્યા હતા. તેવી રીતે 56 વિદ્યાર્થીઓ ગ્રૂપ-1 (11.84 %) અને 9 વિદ્યાર્થીઓ ગ્રૂપ-2 (1.90 %) પાસ કરવામાં સફ્ળ રહ્યાં હતા. પ્રથમ ગ્રૂપની પરીક્ષા આપનારા 584 વિદ્યાર્થીઓમાંથી 113 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેનું પરિણામ 19.35 ટકા રહ્યું હતું. બીજા ગ્રૂપની પરીક્ષા આપનારા 268 વિદ્યાર્થીઓમાંથી 58 વિદ્યાર્થીઓ પાસ થતાં આ કેટેગરીમાં પરિણામ 21.64 ટકા આવ્યું હતું. સમગ્ર દેશના પરિણામ (All Over India Result)ની સરખામણી કરીએ તો રાષ્ટ્રીય સ્તરે ગ્રૂપ-1નું પરિણામ 23.14 ટકા, ગ્રૂપ-2નું 18.92 ટકા અને બંને ગ્રૂપનું સંયુક્ત પરિણામ 13.21 ટકા નોંધાયું છે. તેની સામે વડોદરાના વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં બહેતર દેખાવ કરતાં 14.80 ટકા સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. વડોદરાના હર્ષ સરવૈયાએ 600માંથી 468 ગુણ મેળવીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે સમગ્ર દેશમાં ઓલ ઇન્ડિયા 16મો રેન્ક (AIR16) પ્રાપ્ત કર્યો, જ્યારે મનિષ શર્મા 435 ગુણ સાથે ઓલ ઇન્ડિયા 46મો રેન્ક (AIR46) અને કણઝારિયા હર્ષ કરમશીભાઈ 423 ગુણ સાથે દેશભરમાં 49મો રેન્ક (AIR 49) હાંસલકરવામાં સફ્ળ રહ્યાં છે. આ ઉપરાંત, વ્રજેશ શાંતિલાલ પરમારે 438 ગુણ સાથે સિટીમાં બીજો રેન્ક અને ચૌધરી પાર્થ રમેશભાઈએ 420 ગુણ સાથે સિટીમાં પાંચમો રેન્ક મેળવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સફ્ળતા મેળવનાર વિદ્યાર્થીઓ સાથે WICASA દ્વારા સન ફાર્મા રોડ પર આવેલા ICAI ભવન ખાતે પરિણામોનું વિશ્લેષણ અને તેમની મહેનતની ગાથા રજૂ કરતો સંવાદ યોજાયો હતો.
