વડોદરા જિલ્લાના શિનોર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચરુશવત વિરોધી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શિનોર તાલુકા પંચાયતમાં ફરજ बजाવતા સિવિલ એન્જિનિયર નિધિ પટેલ અને તેમના વતી લાંચની રકમ સ્વીકારનાર ખાનગી વ્યક્તિ આશુતોષ પાઠક સામે ACBએ કાર્યવાહી કરી બંનેની અટકાયત કરી છે. કોન્ટ્રાક્ટરના સરકારી કામના બિલ મંજૂર કરવાના બદલામાં લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
બિલ પાસ કરવા 9 ટકા કમિશન અને રૂ.25,000ની લાંચની માંગણી
બનાવની વિગત મુજબ, ફરિયાદી કોન્ટ્રાક્ટરે તાલુકા પંચાયત હેઠળ હાથ ધરેલા વિકાસ કામોના બિલ મંજૂર કરાવવાના હતા. આ બિલ પાસ કરવાના બદલામાં સિવિલ એન્જિનિયર નિધિ પટેલે કોન્ટ્રાક્ટર પાસે કુલ બિલની રકમના 9 ટકા કમિશન પેટે ખાનગી વ્યક્તિ આશુતોષ પાઠકને આપવા જણાવ્યું હતું. તે મુજબ રૂ.25,000ની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ACBએ છટકું ગોઠવી વચેટિયાને રંગેહાથ ઝડપ્યો; બંને આરોપીઓ સામે ગુનો દાખલ
મળેલી ફરિયાદના આધારે ACBની ટીમે શિનોર ખાતે કાળજીપૂર્વક છટકું (Trap) ગોઠવ્યું હતું. આશુતોષ પાઠક જેવો કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.25,000ની લાંચની રકમ સ્વીકારવા આવ્યો કે તરત જ તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ACBએ લાંચની રકમ કબ્જે કરી ખાનગી વ્યક્તિ આશુતોષ પાઠક અને તેની સાથે સંકળાયેલા સિવિલ એન્જિનિયર નિધિ પટેલ બંનેની ધરપકડ કરી છે. આ બનાવથી શિનોર તાલુકા પંચાયત અને વડોદરા જિલ્લાના સરકારી વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Mehsana News : વારાણસીથી વડનગર પહોંચી ભવ્ય બાઇક યાત્રા, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હાટકેશ્વર મહાદેવનો કરાયો જળાભિષેક
