Vadodara News: દારુની હેરાફેરી માટે આખા મોપેડની ડિઝાઈન બદલી, જ્યાંથી સ્ક્રૂ ખોલો ત્યાંથી ક્વાર્ટર નીકળે

📅 Published: October 6, 2026 | 📂 Category: Baroda

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે અવનવા અને ચોંકાવનારા કીમિયા અપનાવતા હોય છે. વડોદરા શહેરની બાપોદ પોલીસ સ્ટેશનની ટીમે દારૂની હેરાફેરીનો એક એવો પર્દાફાશ કર્યો છે કે જેને જોઈને ખુદ પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા.પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને છોટાઉદેપુરથી ખાસ મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવી રહેલા બે ખેપિયાઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓની યુક્તિ એટલી ચાલાકી ભરી હતી કે સામાન્ય નજરે કોઈને શંકા પણ ન જાય.

મોપેડની બનાવટમાં જ ફેરફાર કરાવી દીધો 

બાપોદ પોલીસ ચોક્કસ બાતમીના આધારે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શંકાસ્પદ મોપેડ અટકાવવામાં આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં મોપેડ સામાન્ય જણાતું હતું અને તેના પર બે યુવકો સવાર હતા.પોલીસે મોપેડ ઉભુ રાખીને ચાલકની સઘન પૂછપરછ કરી હતી. ત્યાર બાદ મોપેડની તપાસ કરી હતી. આ તપાસમાં મોપેડમાંથી જાણે દારૂનું આખું મીની ગોડાઉન બનાવ્યું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા હતાં. આ મોપેડ સાથે પકડાયેલા આરોપીઓની ઓળખ અલ્કેશ રાઠવા અને સુનિલ રાઠવા તરીકે થઈ હતી.જેઓ છોટાઉદેપુર તરફથી આ મોપેડ લઈને વડોદરાની હદમાં પ્રવેશી રહ્યા હતા.આ બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે મોપેડની બનાવટમાં જ ફેરફાર કરાવી દીધો હતો.

સ્ક્રૂ ખોલો ત્યાંથી બોટલનો જથ્થો નીકળે

મોપેડની સીટ નીચે તો દારૂ ભરેલો હતો જ પરંતુ સાથે-સાથે વાહનની બોડીની અંદર,સાઇડના પાનલમાં અને બોડીની તદ્દન નીચેના ભાગમાં પણ ખાનગી ખાનાઓ બનાવીને વિદેશી દારૂના ક્વાર્ટર્સ છુપાવવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે મોપેડના નટ-બોલ્ટ ખોલવાનું શરૂ કર્યું ત્યારે એક પછી એક જગ્યાએથી દારૂની બોટલો બહાર નીકળવા લાગી હતી.વાહનના જે-જે ભાગમાંથી સ્ક્રૂ કે નટ ખોલવામાં આવ્યા ત્યાંથી માત્ર ને માત્ર દારૂના ક્વાર્ટર્સ જ નીકળતા જોઈને તપાસ કરનાર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.આ અનોખી ઓપરેશન પદ્ધતિથી થઈ રહેલી હેરાફેરીમાં પોલીસે મોપેડમાંથી અંદાજે 70 હજારની કિંમતના દારૂના ક્વાર્ટરનો જથ્થો કબજે કર્યો છે. બાપોદ પોલીસે બંને આરોપીઓ અલ્કેશ રાઠવા અને સુનિલ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News : ગરબા સ્થળે NRI અને Gen Z માટે English જાણતા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત હશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *