વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા વલવા ગામ પાસે નર્મદા મેઈન કેનાલ બ્રિજ નજીક આવેલી ઝાડી-ઝાંખરામાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ગંભીરપુરા ગામના રહીશ પઢિયાર સંજયસિંહ ઉમેદસિંહ તરીકે થઈ છે. સંજયસિંહ ગઈકાલે બપોર બાદ પોતાના ઘરેથી અચાનક ગુમ થયા હતા, ત્યારબાદ પરિવારજનો તેમની સતત શોધખોળ કરી રહ્યા હતા.
મૃતક પાદરાની ફાર્મા કંપનીમાં કરતા હતા નોકરી
બનાવની વિગત મુજબ, નર્મદા કેનાલ નજીકથી સંજયસિંહ પઢિયારનું બાઈક પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. મૃતક સંજયસિંહ પાદરા નજીક આવેલી બીડીઆર (BDR) ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા બે દિવસથી નોકરી પર ગયા નહોતા. બે સંતાનોના પિતા એવા સંજયસિંહના આકસ્મિક અને ભેદી સંજોગોમાં થયેલા મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ નર્મદા કેનાલ બ્રિજ પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે સંજયસિંહની હત્યા કરીને તેમના મૃતદેહને ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો છે. બનાવ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો, તે દિશામાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabadના એલિસ બ્રિજ પર મોડી રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા, યુવકે બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરતાં મચી અફરાતફરી!
