Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી

📅 Published: September 4, 2026 | 📂 Category: Baroda

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ.ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી.આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1,R2,R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ આરોપ લગાવ્યો હતો કે,ડૉ.બારોટ દ્વારા તેમની શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. 

તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી

આ ઉપરાંત રજૂઆતમાં રેગિંગ,અભદ્ર મેસેજ મોકલવા,કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવી,હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આક્ષેપો કરાયા છે.આ ઉપરાંત, ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિત રજૂઆતમાં જણાવાયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટરોની રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લીધો હતો.રજૂઆતના ટૂંક જ સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.જે અંતર્ગત ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આદેશ અપાયા

આ મામલે કડક વલણ અપનાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક-માનસિક શોષણ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આદેશ અપાયા છે.ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ જરાય ચલાવી લેવાશે નહીં અને દોષિતો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *