Vadodara News : વચગાળાના જામીન બાદ ફરાર ખૂની ઝડપાયો, શિનોર SOGએ ઘનશ્યામ વસાવાને દબોચ્યો

📅 Published: August 20, 2026 | 📂 Category: Baroda

વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારમાં ચકચાર મચાવનાર વર્ષ 2023ના અપહરણ અને હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા પાકા કામના આરોપીને વડોદરા SOG ટીમે ઝડપી પાડ્યો છે. શિનોરના માલપુર ગામનો રહેવાસી આરોપી ઘનશ્યામ ઉર્ફે ગણીયો વસાવા જેલમાંથી વચગાળાના જામીન મેળવી બહાર આવ્યા બાદ પરત હાજર થયો ન હતો, જેને વડોદરા SOGની ટીમે બીથલી ગામ નજીકથી કસ્ટડીમાં લીધો છે.

2023માં મહેશ વસાવાની હત્યા કરી હતી

આરોપી ઘનશ્યામ ઉર્ફે ગણીયા વસાવા સામે વર્ષ 2023માં મહેશભાઈ વસાવાનું અપહરણ કરી તેમની નિર્મમ હત્યા કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આરોપીઓએ હત્યા બાદ ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો અને મહેશભાઈની મોટરસાયકલને નજીકની કેનાલમાં પધરાવી દીધી હતી. આ ચકચારી કેસમાં આરોપી જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

જેલમાં હાજર ન થઈ ફરાર થયેલા આરોપીને બીથલી નજીકથી દબોચાયો

આરોપી ઘનશ્યામ વસાવા 28 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીના સમયગાળા માટે કોર્ટમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. જામીનની મુદત પૂરી થતાં 16 ઓગસ્ટે તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે શિનોરના બીથલી ગામ પાસેથી આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Anand News : આંકલાવમાં ફૂડ વિભાગનો સપાટો, જ્વાલા ચાઈનીઝ અને આશીર્વાદ હોટલ સીલ, વેપારીઓમાં ફફડાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *