વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા રસુલાબાદ-રાહકુઈ ગામના માર્ગ પર એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે બાઈક પર જઈ રહેલા મામા-ભાણેજને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક ચાલક ડમ્પરના આગળના ભાગમાં બાઈક સાથે ફસાઈ ગયો હતો.
ઈટોલી ગામના મામા રાહુલભાઈ ઠાકોરનું સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના ઈટોલી ગામના રહેવાસી મામા-ભાણેજ ભોગ બન્યા હતા. બાઈક ચલાવી રહેલા મામા રાહુલભાઈ ઠાકોરભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
બાઈક પાછળ બેઠેલા ભાણેજ પ્રિયાંશને પહોંચી ઈજાઓ
બાઈક પર પાછળ બેઠેલા તેમના ભાણેજ પ્રિયાંશકુમારને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે ભાણેજનો બચાવ થયો છે, પરંતુ પરિવારના મોભી સમાન મામા ગુમાવતા ઈટોલી ગામ અને પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર, વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું ડમ્પર ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ડમ્પર જપ્ત કરી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો – Vadodara News : વચગાળાના જામીન બાદ ફરાર ખૂની ઝડપાયો, શિનોર SOGએ ઘનશ્યામ વસાવાને દબોચ્યો
