ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને સુરક્ષાને લઈને એક નવો કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી શાળા પરિસરમાં પ્રવેશવા માટે શાળાના આચાર્ય કે જવાબદારી સોંપાયેલા શિક્ષકની પૂર્વ પરવાનગી મેળવવી અત્યંત ફરજિયાત બનાવવામાં આવી છે. પૂર્વ મંજૂરી વિના કોઈપણ વ્યક્તિને શાળા કે વર્ગખંડ સુધી જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વીડિયોગ્રાફી અને અનઅધિકૃત એન્ટ્રી સામે કાર્યવાહી
આ પરિપત્રમાં એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે શાળા પરિસરમાં વગર પરવાનગીએ પ્રવેશ કરવો અથવા શાળાની અંદર પરવાનગી વગર વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, શાળાની સુરક્ષા અને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણના નામે વાલીઓના પ્રવેશ પર જ સીધા નિયંત્રણો મૂકી દેવાતાં વાલીઓ અને વાલી મંડળોમાં ભારે વિરોધનો સૂર ઊઠ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે આ નિયમથી શાળાઓની મનમાની અને ખામીઓ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પરિપત્રની અમલવારી અને સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે વાલીઓ
શાળાની સુરક્ષા માટે લેવાયેલા આ નિર્ણય સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. વાલીઓનું કહેવું છે કે જો અચાનક બાળક સાથે કોઈ આકસ્મિક બનાવ બને તો આટલી લાંબી પરવાનગી પ્રક્રિયાના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. હાલ રાજ્યભરના વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો આ પરિપત્રની અમલવારીની રીત અને તે અંગે સરકાર દ્વારા કરવામાં આવનારી વધુ સત્તાવાર સ્પષ્ટતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Banaskanthaમાં ખાખી પણ સુરક્ષિત નથી! દાંતીવાડા BSF જવાન પર બુટલેગરોનો જીવલેણ હુમલો, ધારિયાં ઝીંકી લોહીલુહાણ કર્યા…
