Vadodara News : GST કલેક્શનમાં ગુજરાત રીજનનો દબદબો, પ્રતિ માસ 2 લાખ કરોડની આવક સાથે ખાસ બેઠક યોજાઈ

📅 Published: August 21, 2026 | 📂 Category: Baroda

સેન્ટ્રલ GST વિભાગ દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવા અને કામગીરીને વધુ સુગમ બનાવવા માટે એક ખાસ સેમિનારમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સેન્ટ્રલ GSTના DGTS શૈલેન્દ્રસિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ સેન્ટ્રલ GST ઝોન હેઠળ ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાંથી ઉદ્યોગો તરફથી પ્રતિ માસ રૂ. 2 લાખ કરોડ જેટલું મસમોટું GST કલેક્શન પ્રાપ્ત થાય છે, જે દેશની આર્થિક પ્રગતિમાં ઉદ્યોગોના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.

‘સરકાર આપને દ્વાર’ ધ્યેય અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ

કેન્દ્ર સરકાર દેશમાં વેપાર-ઉદ્યોગ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવવા માટે નિરંતર કાર્યરત છે. PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ ઉદ્યોગો દેશમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને GST વિભાગ ‘સરકાર આપને દ્વાર’ના ધ્યેય સાથે કામ કરી રહ્યો છે. વેપારીઓ તથા ઉદ્યોગકારોની સુવિધા માટે તમામ GST સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ કરદાતાઓની અનુકૂળતા માટે GSTમાં EMI સ્કીમ જેવી સરળ સુવિધાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.

કર્મચારીઓ માટે સેમિનાર અને 6 દિવસમાં ફરિયાદોનું નિવારણ

આજના ખાસ સેમિનારમાં અધિકારીઓ અને કર્મચારીઓને GST કાર્યવાહી તથા નીતિ-નિયમો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ડીજીટીએસ શૈલેન્દ્રસિંહે સ્પષ્ટ કર્યું હતું કે તંત્ર સમક્ષ મોટાભાગે GST સંબંધિત વિવિધ ફરિયાદો આવતી હોય છે, જેના નિકાલ માટે વિભાગ અત્યંત ગંભીર છે. GST વિભાગ દ્વારા કોઈપણ કરદાતા કે ઉદ્યોગકારની ફરિયાદનું માત્ર 6 દિવસની અંદર જ ઝડપી અને યોગ્ય નિવારણ લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વેપાર ક્ષેત્રે પારદર્શિતા અને વિશ્વાસ જળવાઈ રહે.

આ પણ વાંચો : Surat News : ડ્રોનથી અસામાજિક તત્વો ઝલાય તો દારૂના અડ્ડા કેમ નહીં?, કોંગ્રેસની કલેક્ટરને આકરી રજૂઆત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *